ટેલિવિઝનના જાણીતા અભિનેતા અને હૉસ્ટ જય ભાનુશાળીની પત્ની અને વિખ્યાત અભિનેત્રી માહી વિજને તેમને ત્યાં કામ કરતા નોકરે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
તાજેતરમાં માહી વિજે અમુક ટ્વીટ્સ કર્યા હતા જેમાં એના રસોઇયાએ એને મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.
આ અંગે માહીએ એક ઇન્ટરવ્યુમાં સંબંધિત ઘટના અંગે વિગતવાર જણાવ્યું હતું. એણે કહ્યું કે એક રસોઇયો એને ત્યાં થોડા દિવસોથી કામ કરી રહ્યો હતો. એ ઘરમાંથી ચોરી કરતો હોવાનું જાણવા મળ્યા બાદ જયે એનો હિસાબ કરવાની શરૂઆત કરી તો એ પૂરા મહિનાનો પગાર માગવા લાગ્યો. એના પરથી વાત એટલી વધી કે એ જાનથી મારવાની ધમકી આપવા લાગ્યો.
એ સાથે માહીએ જણાવ્યું કે, રસોઇયો નશો કરી એને ફોન કર્યો અને ફાવેતેમ બોલવાની સાથે ગાળો આપવા લાગ્યો. એણે કહ્યું કે નોકરીમાંથી કાઢી મુક્યો એટલે એ મને અને મારા પરિવારને મારી નાખશે. એટલું જ નહીં, ધમકી આપતા કહ્યું કે એના ગામ બિહારથી બસો જણને લઈ આવશે અને અમને ખંજર મારશે. આ બધા ફોન મેં રેકૉર્ડ કર્યા અને 29 જૂને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે રસોઇયાની ધરપકડ પણ કરી છે. તપાસમાં એણે દિલ્હીમાં પણ આવો કાંડ કર્યો હોવાનું જાણવા મળ્યું.
રસોઇયો હાલ પોલીસ કસ્ટડીમાં છે પણ જો એ જામીન પર બહાર આવી હુમલો કરે એવો ડર માહી અને જયને સતાવી રહ્યો છે.
માહી અને જય ચાર દિવસ માટે લંડન જઈ રહ્યા છે ત્યારે તેમને ત્રણ વરસની દીકરી તારાની ચિંતા સતાવી રહી છે. જય કહે છે કે થોડા દિવસ માટે તારાને મારી માતાને ત્યાં કે પછી મિત્રને ત્યાં મુકીને જવાનું વિચાર્યું હતું, પણ હવે મને ચિંતા સતાવી રહી છે.