શોર્ટ ફિલ્મ કાલીના પોસ્ટરનો વિવાદ આજે ઓર ગરમાયો છે. મૂવલીના પોસ્ટર અંગે દિલ્હી અને યુપીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસની આઈએફએસઓ (The Intelligence Fusion & Strategic Operations) યુનિટે કાલી ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ પોસ્ટર અંગે આઈપીસીની કલમો 153એ (ધર્મ-જાતિના આધારે ઉશ્કેરવા) અને 295એ (કોઈ વર્ગ, ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અંતર્ગત એફઆઈઆર નોંધી છે. આ મામલે ઉત્તર પ્રદેશમાં પણ લખનઊના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કાલીની નિર્માત્રી લીના મનિમેકલાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હિન્દુ દેવીને અપમાનજનક રીતે દર્શાવવામાં આવવાની સાથે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
શું છે કાલી વિવાદ
કેનેડામાં મા કાલીનું એક એવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં મા કાલીને સિગરેટ પીતાં દર્શાવાયં છે. ઉપરાંત મા કાલીના હાથમાં LGBTQનો પ્રાઇડ ફ્લૅગ પણ છે. આ પોસ્ટરે ભારતમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે.
આ પોસ્ટર ફિલ્મ સર્જક લીના મનિમેકલાઈની ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીનું છે. પોસ્ટર બીજી જુલાઈએ કેનેડામાં આયોજિત એક પ્રોજેક્ટ અંડર ધ ચેન્ચ અંતર્ગત રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને ટોરન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં રજૂ કરાયું હતું. પોસ્ટર રિલીઝ થયા બાદ એનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લીનાને લોકો આડેહાથ લઈ રહ્યા છે. એટલું જ નહીં, લીના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી થઈ રહી છે.
આ મામલે કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશને વિરોધ નોંધાવ્યો હતો. હાઇ કમિશને કહ્યું કે તેમને હિન્દુ સમાજ તરફથી ફરિયાદો મળી રહી છે કે કેનેડામાં અંડર ધ ટેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં હિન્દુ દેવી-દેવતાઓને ખરાબ ચીતરવામાં આવ્યા છે. આ કાર્યક્રમના આયોજકો સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને જવાબદાર લોકો પર કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટર અંગે નિર્માત્રી લીના વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં લીના ઉપરાંત અસોસિએટ પ્રોડ્યુસર આશા અને એડિટર શ્રવણ અનોચનના નામો પણ છે.