બૉલિવુડના સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ઍક્શન થ્રિલર રુસલાન ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં આયુષની જબરજસ્ત ઍક્શન જોવા મળશે. જોકે આયુષની એક પણ ફિલ્મ સુપર હિટ થઈ નથી. જોકે થોડા સમયથી આયુષ રુસલાન ફિલ્મને કારણે ચર્ચામાં રહ્યો છે.
રુસલાનના ટ્રેલરમાં આયુષ શર્મા બેવડી જિંદગી જીવતો હોય એવું દર્શાવાયું છે. એક બાજુ એ જિંદાદિલ શખસ જે જિંદગીને પ્રેમ કરતો હોય છે, તો બીજી બાજુ જીવને જોખમમાં મુકી દુશ્મનો સાથે બાથ ભીડતો દેખાય છે.
ટ્રેલરની શરૂઆત જ દમદાર ડાયલોગ… હર ઇન્સાન અપની જિંદગી મેં કોઈ તો જંગ લડતા હૈ. મગર જબ લડાઈ અપની પહચાન કી હો, યા તો વો સબ કુછ હાર જાતા હૈ યા અપના નામ સબકી જુબાં પર છોડ જાતા હૈ. એ સાથે રુસલાન (આયુષ શર્મા)ની એન્ટ્રી થાય છે.
આયુષ બેવડું જીવન જીવતો હોય એવું લાગે છે. ટ્રેલરમાં આયુષ એક મ્યુઝિક ટીચર તરીકે પણ જોવા મળે છે. તો બીજી ક્ષણે સીધોસાદો સંગીતનો શિક્ષક ઢગલાબંધ ગુંડાઓ સાથે એકલે હાથે લડતો જોવા મળે છે. ફિલ્મમાં દક્ષિણ ભારતના અભિનેતા જગપતિ બાબુ પણ છે જે પોલીસ અધિકારી છે અને રુસલાન તેમનો દીકરો છે. ટ્રેલરમાં રુસલાન એક એવા કાળા ધબ્બાને દૂર કરવાની વાત કરે છે જેને માટે એણે યુનિફોર્મ પહેરવો પડશે. રુસલાન કયા ધબ્બાની વાત કરે છે એ તો ફિલ્મમાં જ જોવા મળશે.
ટ્રેલર લૉન્ચ થયા બાદ સલમાન ખાને પણ એનો પ્રતિભાવ સોશિયલ મીડિયા પર આપ્યો હતો. ટ્રેલરનો વિડિયો શેર કરવાની સાથે સલમાને લખ્યું, આયુષ, રુસલાનની તનતોડ મહેનત, પ્રયાસ અને સમર્પણને જોઈ શકાય છે. ભગવાન તમને આશીર્વાદ અને શુભકામના આપે.
અત્રે ઉલ્લેખનીય છે કે રુસલાનમાં સુશ્રી મિશ્રા, જગપતિ બાબુ વિદ્યા માલવદે અને સુનીલ શેટ્ટી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. કરણ ભુટાની દિગ્દર્શિત ફિલ્મ રુસલાન 26 એપ્રિલ, 2024ના રિલીઝ થશે.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો