ગુજરાતનું એક નાનકડું ગામ છે રામનગર. ગામનું નામ ભલે રામનગર હોય પણ ત્યાંના રહેવાસીઓ, ખાસ કરીનો યુવાનોમાં દારૂ સહિત અન્ય દૂષણોની બદી ફેલાયેલી હતી. ગામમાં એટલા દૂષણો હતા કે એ જાણે નરકમાં ફેરવાઈ ગયું હતું. ગામમાં કોઈની હિંમત નહોતી કે દૂષણો સામે લડી શકે. જોકે રામનગરના સદનસીબે સૂરજબહેનની કૂખે જન્મેલા ચંદુભાઈએ ગામને રામરાજ્ય બનાવવાનું બીડું ઝડપ્યું. સમાજ, ગામવાસીઓને દૂષણ મુક્ત કરવા અનેકવાર જીવનું જોખમ પણ ખડું થતું. મારપીટ થતી, ધમકીઓ મળતી. આમ છતાં નીડર અને દૃઢ નિશ્ચયી ચંદુભાઈ ટસના મસ ના થયા અને ગામમાથી દૂષણોનો નાશ કરીને જ જંપ્યા.
માની ન શકાય એવી આ વાત હકીકતમાં બની છે અને આ ચમત્કાર કરી દાખવનાર ગામના મુખી ચંદુભાઈની જીવની પર દેવીનીલ ફિલ્મ પ્રોડક્શન દ્વારા નિર્મિત મુખી નામની એક ફિલ્મ આવી રહી છે. 19 એપ્રિલે રિલીઝ થઈ રહેલી ફિલ્મના નિર્માતા છે હશ્વિન પટેલ. મજાની વાત એ છે કે જેમના પર ફિલ્મ બની રહી છે એ ગામના મુખી એટલે હશ્વિન પટેલના પિતા. ફિલ્મમાં મુખીનું પાત્ર ગુજરાતી ફિલ્મોના જાણીતા ઍક્શન સ્ટાર જીત ઉપેન્દ્રએ ભજવ્યું છે.
સાપુતારામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોવા છતાં મુખીમાં ટાઇટલ રોલ કરનાર હિન્દી-ગુજરાતી સહિત સાઉથની ફિલ્મોના જાણીતા કલાકાર જીત ઉપેન્દ્રએ ફિલ્મી ઍક્શનને ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. મુલાકાત દરમિયાન જીત ઉપેન્દ્રએ તેમની આગામી ફિલ્મો ઉપરાંત અંગત સવાલોના પણ નિખાલસપણે જવાબ આપ્યા હતા.
લાંબા અરસા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુખી ફિલ્મથી તમારી ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ફિલ્મનું તમારું પાત્ર કેવા પ્રકારનું છે અને આ ફિલ્મ સ્વીકારવાનું કોઈ ખાસ કારણ?
તમારી વાત સાચી છે. ઘણા સમય બાદ ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું. 19 એપ્રિલે રિલીઝ થઈ રહેલી મુખી સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ નિર્માતા હશ્વિન પટેલના પિતા ચંદુભાઈ પટેલની જીવની પર આધારિત છે. તેમણે દારૂ સહિતના અનેક દૂષણોથી ગામને કેવી રીતે મુક્ત કર્યું એની વાત આલેખવામાં આવી છે.
તમે પૂછ્યું કે ફિલ્મ સ્વીકારવાનું કોઈ ખાસ કારણ, તો ફિલ્મની વાર્તા જ એટલી જબરજસ્ત છે કે કોઈ કલાકાર ના પાડી શકે નહીં. એક વ્યક્તિ દૂષણોના નાશ માટે સમગ્ર ગામ સામે લડત ચલાવે એ માણસ કેટલો પાવરફુલ હશે એની તો કલ્પના જ કરવી રહી. આવા પ્રભાવશાળી પાત્રને ન્યાય આપવાનો મેં પ્રયાસ કર્યો છે. અને એમાં હું કેટલો સફળ રહ્યો એની તો 19 તારીખે દર્શકોના પ્રતિભાવ પછી જ જાણ થશે.
એક આડ વાત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સહાયક દિગ્દર્શક તરીકે કલ્પેશ દેસાઈએ અને કલાકાર મેં જાણીતા દિગ્દર્શક ચંદર બહેલની ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. કલ્પેશ સાથે એ પછી પણ એક ફિલ્મ કરી હતી. પણ લાંબા અરસા બાદ એણે મને યાદ કર્યો અને અમે ફરી મુખી ફિલ્મમાં સાથે આવી રહ્યા છીએ.
હિન્દી ફિલ્મોથી શરૂઆત કર્યા બાદ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કેવી રીતે થઈ?
હકીકતમાં હું એક હિન્દી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ગોગા કપૂરનો ફોન આવ્યો. તેમણે મારા નામની ભલામણ એક ગુજરાતી ફિલ્મ માટે કરી હતી. જોકે હું અવઢવમાં હતો કારણ, મને ગુજરાતી આવડતી નહોતી. એ સમયે મને નસીરસા’બે સલાહ આપી કે અભિનયની કોઈ ભાષા હોતી નથી. જો તને હિન્દી ફિલ્મમાં કોઈ ગુજરાતી કેરેક્ટર મળે તો શું ના પાડીશ? અભિનેતા તરીકે બધી તૈયારી કરવી પડે. નસીરુદ્દીન શાહની વાતને કારણે મારામાં કૉન્ફિડન્સ આવ્યો અને પહેલી ગુજરાતી ફિલ્મ સ્વીકારી જેના દિગ્દર્શક ચંદર બહેલ હતા. ત્યાર બાદ તો મેં હિન્દી અને ગુજરાતી ઉપરાંત રાજસ્થાની, ગઢવાલી, અવધી, કન્નડ, તમિલ, મલયાલી ભાષાની ફિલ્મો પણ કરી.
તમે પહેલાં પણ ગુજરાતી ફિલ્મો કરી છે હવે પાછી એન્ટ્રી કરી છે ત્યારે તમને કેટલો ફરક વર્તાય છે?
હકીકતમાં આજની યુવા પેઢી ઘણી ટેલેન્ટેડ છે. મને લાગે છે કે અમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે રૉ મટિરિયલ જેવા હતા. જ્યારે આજની પેઢી તૈયાર થઈને આવે છે. તેમને શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એની પૂરી જાણકારી છે. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કોઈ ખાસ ફરક નથી. ત્યારે પણ સારા-ખરાબ નિર્માતા-દિગ્દર્શક હતા અને આજે પણ છે. કલાકારો પણ નબળું પર્ફોર્મ કરી શકે છે. ભલે સેટ પર અમને લાગે કે ઘણું સુંદર કામ કર્યું છે પણ થિયેટરમાં દર્શકને પસંદ ન પણ પડે. ગુજરાતી ફિલ્મોનું મર્યાદિત બજેટ હોય છે એટલે એ મુજબની વાર્તા પસંદ કરે છે. બાકી સર્જક હોય કે કલાકાર દરેક પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે.
અભિનેતા તરીકે ક્રિટિક્સથી લઈ દર્શકો સુધી તમામે બિરદાવ્યા હોવા છતાં તમને કેમ કામ મળતું નથી?
એને માટે કદાચ હું જવાબદાર હોઇશ. મારું પીઆર ઘણું નબળું છે. મેં કદી મારાં કામનો ઢંઢેરો પીટ્યો નથી. બીજું, મને યોગ્ય માણસો ન મળ્યા. ખાસ કરીને મેનેજર જે મારો પોર્ટફોલિયો યોગ્ય રીતે સંભાળી શકે. જો સારો મેનેજર મળ્યો હોત તો સિનારિયો કંઇક અલગ જ હોત. હું કોઈ પાસે કામ માગવા જતો નથી, મને ઇગો પ્રોબ્લેમ નથી પણ કામ માગવું એ મારા સ્વભાવમાં નથી.
હિન્દીમાં પણ લાંબા અરસા બાદ ફિલ્મ મળી…
એમાં મારો પણ પ્રોબ્લેમ હતો. અંગત કારણોસર મેં ફિલ્મો લેવાનું બંધ કર્યું અને પાંચ-છ વરસ મારા ગુરુજીના આશ્રમમાં રહ્યો અને તેમની સેવા કરી. હવે મેં ફરી કામ શરૂ કર્યું એ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ કે ઑફરો આવવાની શરૂઆત થઈ. હાલ પાંચ છ હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. જેમાં ચટ્ટાન ટુ અને થ્રી ઉપરાંત એક ફિલ્મ છે.
હાલ કેટલી ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છો?
મુખી ફિલ્મ શુક્રવનારે રિલીઝ થઈ રહી છે. જ્યારે એક ફિલ્મનું શૂટિંગ હાલ સાપુતારામાં કરી રહ્યો છું. જ્યારે 28 એપ્રિલે વડોદરા ખાતે ક્રાઇમ થ્રિલર રિવેન્જ (ટેન્ટિટિવ ટાઇટલ)નું શૂટિંગ શરૂ થશે. અત્યારે સાપુતારા ખાતે જે ફિલ્મ કરી રહ્યો છું એના વિશે વધુ કંઈ નહીં કહું પણ એ ઍક્શન ફિલ્મ છે.
તમારી ઇમેજ ઍક્શન સ્ટારની છે, હવે બીજી ઇનિંગમાં તમને કેવા રોલ કરવાનું ગમશે?
મેં માત્ર હીરોગીરી જ નથી કરી. એન્ટી હીરોની ભૂમિકા પણ ભજવી છે. મારો એક જ ક્રાઇટેરિયા છે કે મારું પાત્ર મહત્વનું હોવું જોઇએ. તમને જોય યાદ હોય તો મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી જેનું નામ હતું આતંક. ફિલ્મની આતંકવાદીની ભૂમિકા આજે પણ ચાહકો ભૂલ્યા નથી. ફિલ્મનો એક સંવાદ મને યાદ નથી પણ આજે કોઈ પ્રશંસક મળે તો એ મને ફિલ્મનો ડાયલોગ સંભળાવી જાય છે.