ત્રણ દિશામાં દરિયો… એક બાજુ ડુંગર અને બીજી બાજુ રણ… પ્રકૃતિએ શું નથી આપ્યું કચ્છને અને એટલે જ કદાચ કચ્છવાસીઓએ તેમને જે મળ્યું છે એનાથી પણ અધિક પાછું આપ્યું છે સમાજ ને…..
કચ્છીયત અને કચ્છીઓની ખાસિયત સાથે સાથે કચ્છના વિવિધ મહત્વના સ્થાનો, શ્રદ્ધા, સંસ્કારોનું રસપ્રદ વર્ણન કરતી રસપ્રદ ફિલ્મ છે પાંજો મુલક. કચ્છી ભાષાની પહેલી ફિલ્મ પાંજો મુલકનો પ્રીમિયર શો યોજવામાં આવ્યો ત્યારે ફિલ્મના સર્જકને ખાસ વડા પ્રધાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કચ્છી સમાજના દરેક વર્ગના વ્યક્તિના હૃદયને સ્પર્શતી… ફિલ્મને સમગ્ર કચ્છી સમાજ તરફથી લાગણીભર્યો આવકાર મળી રહ્યો છે. મુંબઈની સાથોસાથ અન્ય શહેરોમાં પણ પુષ્કળ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે ફિલ્મ પાંજો મુલકનો વધુ એક ભવ્ય શો આગામી રવિવાર, 28 ઓગસ્ટના આયોજિત થવા જઈ રહ્યો છે. કચ્છી ભાષાની સૌથી સફળ અને સુંદર ફિલ્મ આપવા આપનાર ફિલ્મના લેખક-દિગ્દર્શક મનોજ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું કે ભલે કચ્છ બહાર કચ્છી સમાજની વસતિ કદાચ ઓછી હશે પણ માતૃભાષા કચ્છી, વતનનો પ્રેમ અને કચ્છી સંસ્કૃતિ પ્રત્યે સમાજનો આદરભાવ એટલો મોટો છે કે ધીમે ધીમે મહત્વના દરેક સેન્ટરમાં ફિલ્મના શો પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા આયોજિત થઈ રહ્યા છે.