2023માં અધધ કહી શકાય એટલી 94 ફિલ્મો રિલીઝ થઈ અને ઘણી ફિલ્મોને દર્શકોએ વધાવી પણ લીધી. એટલે એમ કહી શકાય કે ગુજરાતીઓ હવે પોતાની માતૃભાષામાં બનેલી ફિલ્મોને પણ આવકારી રહ્યા છે. હવે 2024ના શરૂ થયેલા નવા વરસમાં આ શુક્રવારે (5 જાન્યુઆરી, 2024) એક ધમાકેદાર ફિલ્મ ડેની જીગર રિલીઝ થઈ રહી છે.
છેલ્લો દિવસ, કરસનદાસ પે ઍન્ડ યુઝ, વશ જેવી એક સે બઢકર એક ફિલ્મો આપનાર લેખક-દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક ઍક્શન કૉમેડી ફિલ્મ ડેની જીગર : એક માત્ર લઈને આવી રહ્યા છે. ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના સ્ટાર યશ સોની દર્શકોને એક નવા અંદાજમાં જોવા મળશે. અને એની આછેરી ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે.
ટીમ બૉક્સ સીરિઝ બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે નિલય ચોટાઈ અને દીપેન પટેલ. ડેની જીગરના કેન્દ્રમાં છે સુપર કૉપ ડેની જીગર. 600 વરસ જૂની એક કિમતી મૂર્તિની ચોરીનો ભેદ ઉકેલવાનું બીડું ઝડપે છે. પણ ડેની જીગર જે રીતે કામ કરે છે એનાથી ઉપરી અધિકારી ખુશ નથી પણ ડેનીના પાત્રમાં યશને જોઈ દર્શકો ખુશખુશાલ થઈ જશે.
ડેની જીગર અંગે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ કહે છે કે, અમે ગુજરાતી ફિલ્મોના ચાહકોને એક અલગ પૅન ઇન્ડિયા સ્ટાઇલની ફિલ્મ આપવાનો પ્રયાસ કર્યો છે. દર્શકોને કોઈ બૉલિવુડ કે સાઉથની ફિલ્મ જોતા હોવાનું ફીલ કરશે. ડેની જીગર જેવી ઍક્શન પેક્ડ ફિલ્મ માટે યશની પસંદગી કરવાનું કોઈ ખાસ કારણ? પ્રશ્નના જવાબમાં કૃષ્ણદેવ કહે છે કે એ ઘણો કો-ઓપરિકવ કલાકાર છે. ઉપરાંત એ કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લો દિવસમાં સીધા-સાદા કૉલેજિયનની ભૂમિકા બખૂબી ભજવી હતી. તો રાડોમાં આક્રમક સ્વભાવના સ્ટુડન્ટને જીવંત કર્યો હતો. જ્યારે ડેની જીગરમાં યશના અભિનયની એક નવી ઉંચાઈ જોવા મળશે.
એવું કહેવાય છે કે ગુજરાતી દર્શકો સામાજિક કે કૉમેડી ફિલ્મો જોવાનું જ પસંદ કરે છે. તો તમે ઍક્શન ફિલ્મ બનાવીને જોખમ નથી ઉઠાવ્યું? કોણે કહ્યું કે ગુજરાતીઓ માત્ર અમુક વિષય ધરાવતી ફિલ્મો જ પસંદ કરે છે? તમને મારી દરેક ફિલ્મમો એક અલગ વિષય જોવા મળશે. છેલ્લો દિવસમાં કૉલેજિયનોની વાત હતી. રાડોમાં સિસ્ટમ સામેની લડત હતી. તો વશ સાયકો થ્રિલર હતી. આ બધી ફિલ્મોને ગુજરાતી દર્શકોએ આવકારી.અને તમને તો જાણ છે કે વશની હિન્દી રીમેક પણ બની રહી છે જેમાં બૉલિવુડના સ્ર અજય દેવગણ અને આર. માધવન કામ કરી રહ્યા છે..
ગુજરાતી દર્શકો અમુક જ વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો પસંદ કરે છે એ વાત કેટલી પાયાવિહોણી છે એ અમારી જ એક ફિલ્મ કરસનદાસ પે ઍન્ડ યુઝે પુરવાર કરી છે. ફિલ્મની વાર્તા સુલભ શૌચાયલ સંભાળતા એક યુવાનની લવ સ્ટોરી છે. ગરીબોની વસતિમાં ફિલ્માવાયેલી આ ફિલ્મને દર્શકોએ ખોબલે ખોબલે વધાવી ને બૉક્સ ઑફિસ છલકાવી દીધી.
ખેર, અત્યારે વાત ડેની જીગરની. આ ફિલ્મ બનાવવા અમે ક્યાંય બાંધછોડ કરી નથી અને ફિલ્મની શરૂઆતથી લઈ એના ધ ઍન્ડની ફ્રેમ આવે ત્યાં સુધી દર્શક સીટ સાથે જકડાયેલો રહેશે એનો અમને પૂરો વિશ્વાસ છે.
ફિલ્મમાં યશ સોની (ડેની જીગર), તર્જની ભાડલા (પૂજા), જિતેન્દ્ર ઠક્કર (કે કાલી), ચેતન દૈયા (આર એસ જોની), પ્રેમ ગઢવી (સુનીલ), રાહુલ રાવલ (પ્રતાપ), હેતલ પુનીવાલા (રાકા), રાજન ઠાકર (અલબેલો) , ઓમ ભટ્ટ (બંટી)ના પાત્ર ભજવી રહ્યા છે.