કોરોનાને કારણે ફિલ્મ થિયેટર્સ અને નાટ્યગૃહો ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો આદેશ સરકારે બહાર પાડ્યા બાદ ફિલ્મની રિલીઝ અટકી પડી છે તો નાટકોના શોઝ કેન્સલ કરવા પડ્યા. નાટકના શો કેન્સલ થવાને કારણે નિર્માતા-કલાકારને તો ખોટ ખમવાનો વારો આવ્યો પણ નાટકમાં બેક-સ્ટેજમાં કામ કરનારાઓની હાલત કફોડી થઈ ગઈ. થોડા દિવસ અગાઉ ફિલ્મી ઍક્શનમાં ગુજરાતી નાટ્ય ઇન્ડસ્ટ્રીને થનારા આર્થિક નુકસાનની વાત રજૂ કરી હતી.

ગુજરાતીની જેમ મરાઠી નાટકોના નિર્માતાઓની સાથે બેક-સ્ટેજમાં કામ કરનારાઓ પણ મુસીબતમાં મુકાયા છે. જોકે શો કેન્સલ થવાને કારણે બેક-સ્ટેજમાં કામ કરનારાની પરિસ્થિતિ દયનીય બની છે. પરંતુ મરાઠીના વિખ્યાત અભિનેતા અને સર્જક પ્રશાંત દામલેએ આવા ૨૩ કામગારોનો હાથ ઝાલ્યો છે. પ્રશાંતના આ પગલાંને મરાઠી નાટ્ય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આવકાર્યું હતું.

નાટકના પ્રયોગો રદ થતા ઘરનો ચૂલો સળગતો રહે એ માટે રંગમંચ કામગાર સંગઠને કામદારોને સહાય આપવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં મરાઠીના જાણીતા અભિનેતા પ્રશાંત દામલેએ તમામ ૨૩ કામગારોને દસ-દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પ્રશાંત દામલે ફૅન ફાઉન્ડેશન અને ગૌરી થિયેટર્સ નિર્મિત બે નાટકો એકા લગ્નાચી ગોષ્ટ અને તૂ મ્હણશીલ તસા એ બે નાટકો માટે બેક-સ્ટેજનું કામ કરનારા કામદારોને સહાય અપાશે.

પ્રશાંત દામલેએ જણાવ્યું કે, નાટકના નિર્માતા કુટુંબના મુખિયા હોવાથી મુસીબતના સમયે તેમને મદદ કરવાની મારી ફરજ છે. તો કામગાર સંગઠનની જેમણે મેમ્બર ફી ભરી હશે તેમને બે-બે હજાર રૂપિયાની સહાય અપાશે.