1932માં ઢોલિવુડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. નેવું વરસના સમયગાળા દરમિયાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કપરો કાળ વધુ જોયો છે. અને એનું એક કારણ એ પણ હોઈ શકે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતા-દિગ્દર્શકના પ્રભાવશાળી સંગઠનનો અભાવ. સરકારી સુવિધાઓ કે યોગ્ય પ્રમાણમાં થિયટરો મળવાથી લઈ અનેક સમસ્યાઓ છે જેની રજૂઆત અસરકારક રીતે કરી શકે એવું કોઈ અસોસિયેશનનું અસ્તિત્વ જ નહોતું.
આ બાબતને ધ્યાનમાં રાખી શનિવારે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક નિર્માતા અને દિગ્દર્શકોની એક બેઠક હિતુ કનોડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર ઍન્ડ ડિરેક્ટર અસોસિયેશન (GFPDA)ની સ્થાપના કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો. એટલું જ નહીં, એક ઍડ-હૉક વર્કિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે એકત્ર આવી, અંત મતભેદો ભૂલી કામ કરવાનો સૌએ સંકલ્પ કર્યો હતો.
નવનિર્મિત સંગઠનની અધિકૃત નોંધણીનું કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેમણે ઓછામાં ઓછી એક ફિલ્મ સાથે નિર્માતા, સહ નિર્માતા કે દિગ્દર્શક તરીકે સંકળાયેલા હશે તેઓ આ અસોસિયેશનના સભ્ય બનવા યોગ્ય ગણાશે. એ સાથે યોગ્યતા ધરાવનાર તમામને વિનામૂલ્ય સભ્ય બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખૂબ જ ટૂંકા સમયગાળામાં બેઠકનું આયોજન થયું હોવા છતાં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, હિંમતનગર, કડીથી અંદાજે 60થી વધુ નિર્માતા-દિગ્દર્શક ઉપસ્થિત રહ્યા હતા.
અસોસિયેશનમાં સભ્યો બનવા માટે ટૂંક સમયમાં ગૂગલ ફોર્મ જાહેર કરશે. ફોર્મમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી ઉપરોક્ટ કેટેગરીમાં આવતી કોઈ પણ વ્યક્તિ અસોસિયેશનનું સભ્ય પદ મેળવી શકે છે.
હિતુ કનોડિયા (પ્રમુખ), હરેશ પટેલ (ઉપપ્રમુખ), અભિલાષ ઘોડા (મહામંત્રી), પરેશ વોરા (સહમંત્રી), બિપિન બાપોદરા (સભ્ય), ધર્મેશ શાહ, સંજય શાહ “જેકી”, રમેશ કરોલકર, સંજય પટેલ, ઉત્પલ મોદી, શૈલેષ પ્રજાપતિ, શ્રીમતી દિવ્યા પટેલ (સભ્યો) અને વિનય દવેની કાનૂની સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.