ગુલઝાર અને હૃષિકેશ મુખર્જીની ત્રણ ક્લાસિક ફિલ્મો કોશિશ, મિલી અને બાવર્ચીની રીમેક બનાવવાની જાહેરાત નિર્માત્રી અનુશ્રી મહેતા, જાદુગર ફિલ્મ્સના અબીર સેનગુપ્તા અને એસઆરએસ પ્રોડક્શન્સના સમીર રાજ સિપ્પીએ કરી હતી.
1972માં વેલી કોશિશ ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મમાં સંજીવ કુમાર અને જયા ભાદુરી મુખ્ય ભૂમિકામાં હતાં. જ્યારે હૃષિકેશ મુખર્જી દિગ્દર્શિત ક્લાસિક ફિલ્મો બાવર્ચીમાં રાજેશ ખન્ના, જયા ભાદુરી, અસરાની જેવા કલાકાર હતા જ્યારે મિલીમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અને અશોક કુમાર જેવા ધુરંધર કલાકારો હતા.
રાધિકા આપ્ટે અભિનીત મિસિસ અંડરકવરની દિગ્દર્શિકા અનુશ્રી મહેતા અને અબીર સેનગુપ્તાએ જણાવ્યું કે, ત્રણ ક્લાસિક ફિલ્મોને એક નવા સ્વરૂપે બનાવવાની યાત્રા શરૂ કરતા રોમાંચ અનુભવી રહ્યા છીએ. એ સાથે તેમણે ઉમેર્યું કે આ એક મોટી જવાબદારી છે કારણ ગુલઝાર અને હૃષિકેશ મુખર્જી જેવા દિગ્ગજ સર્જકો દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ એવા સર્જકો છે જેમણે આવનારી પેઢી માટે ફિલ્મ નિર્માણ અંગેના માપદંડ સ્થાપિત કર્યા હતા. તેમની ફિલ્મો જોઇને અમે મોટા થયા છીએ અને આપણા સમૃદ્ધ ફિલ્મી વારસા સમાન આ ફિલ્મોની વાર્તા નવી પેઢીએ પણ જોવી-માણવી જોઇએ. અમે પૂરી જવાબદારી સાથે શ્રેષ્ઠતમ ફિલ્મ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મોની રીમેક પણ દર્શકોના દિલને સ્પર્શી જશે.
જાણીતા નિર્માતા એન.સી. સિપ્પીના પૌત્ર અને રાજ સિપ્પીના દીકરા સમીર સિપ્પીએ જણાવ્યું કે આ ક્લાસિક ફિલ્મોને નવા અને આધુનિક દૃષ્ટિકોણથી ફરી રજૂ કરાશે. એ સાથે તેમણે ઉમેર્યું કે ફિલ્મના કલાકાર અને ટેક્નિશિયન્સના નામોની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.