દિગ્દર્શક મનોજ શર્માએ તેમની ફિલ્મ દેહાતી ડિસ્કોનું પોસ્ટર ટાઇગર શ્રોફના હસ્તે લૉન્ચ કરાવ્યું હતું. જુહૂસ્થિત જે. ડબલ્યુ. મેરિયટમાં આયોજિત ઇવેન્ટમાં પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. મજાની વાત એ છે કે ફિલ્મમાં ગણેશ આચાર્ય લીડ રોલમાં નજરે પડશે.

લૉકડાઉન અનલૉક કરાયા બાદ બૉલિવુડની આ પહેલી મોટી ઇવેન્ટ હતી. ફિલ્મનું નિર્માણ પ્રાચી મૂવીઝ અને વી 2 એસ પ્રોડક્શન્સના સહયોગમાં વન એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ પ્રોડક્શન્સના કમલ કિશોર મિશ્રા કરી રહ્યા છે. મુહૂર્તમાં પદ્મશ્રી ડ્રમર શિવમણિએ લાઇવ પર્ફોર્મ કર્યું હતું.

બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે ઍક્શન અબ્બાસ અલી મુગલે કોરિયાગ્રાફ કરી છે. પદ્મશ્રી શિવમણિ પહેલીવાર દેહાતી ડિસ્કોથી સંગીતકાર તરીકે બૉલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ 25 ઓક્ટોબરથી ઉત્તર પ્રદેશના લખનઊમાં શરૂ થશે. ગણેશ આચાર્યએ કહ્યું કે, હું એક એવી ફિલ્મમાં અભિનય કરી રહ્યો છું જેમાં નૃત્ય અને એની સાથે સંકળાયેલ સામાજિક સંદેશ પણ સામેલ છે.

અનિલ શર્માના સહાયક તરીકે કામ કરી ચુકેલા મનોજ શર્માએ કહ્યું કે, ફિલ્મની વાર્તા દેશના યુવાનોની છે જેઓ હકીકતમાં નૃત્યનો આનંદ માણતા હોય છે. મને ખાત્રી છે કે પોસ્ટર લૉન્ચ કરનાર ટાઇગર શ્રોફ આ ફિલ્મ અને એના સામાજિક સંદેશની આતુરતાપૂર્વક રાહ જોશે. મનોજે વીનસ રેકોર્ડ માટે 50થી વધુ મ્યુઝિક વિડિયો બનાવ્યા છે. તેમણે પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ, ચલ ગુરૂ હો જા શુરૂ, શર્માજી કી લગ ગઈ, લાઇફ મેં ટાઇમ નહીં હૈ કિસી કો જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તાજેતરમાં તેમણે મધુ, ધર્મેન્દ્ર, રજનીશ દુગ્ગલ, કાયનાત અરોરા, અસરાની, વિજય રાજ, રાજપાલ યાદવ, યાસ્મીન ખાન, મિની બંસલ અને એકતા જૈન જેવા કલાકારો સાથે ખલી બલી નામની ફિલ્મ પૂરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here