ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે તો ગુજરાતી વેબ સિરીઝ પણ એમાં પાછળ નથી. વૈવિધ્યસબર વિષય અને માતબર નિર્માણ ધરાવતી વેબ સિરીઝ બનાવવાનું સાહસ નિર્માતાઓ કરી રહ્યા છે. સામાજિક સિરીઝના દાયરામાંથી બહાર નીકળી સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓને કેન્દ્રમાં રાખી લખલૂટ ખર્ચે સિરીઝ બની રહી છે. આવી જ એક વેબ સિરીઝ ધ લોસ્ટ નાઇટ ટૂંક સમયમાં ફ્લોર પર જઈ રહી છે. સિરીઝના કેન્દ્રમાં છે ભારતમાં ફૂલીફાલી રહેલો ડ્રગ્ઝનો ધંધો.

પ્રિયા ભટ્ટ મોશન પિક્ચર્સ બેનર હેઠળ બની રહેલી વેબ સિરીઝનાં નિર્માત્રી છે પ્રિયા ભટ્ટ. ગુજરાતીમાં મલ્ટીસ્ટારકાસ્ટ ધરાવતી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુકેલા હીરાલાલ ખત્રી થ્રિલર ધ લોસ્ટ નાઇટનું દિગ્દર્શન કરી રહ્યા છે.

દિગ્દર્શક હીરાલાલ ખત્રીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે અમારી સિરીઝ ભલે ગુજરાતીમાં હોય પણ તમને એની ભવ્યતામાં ક્યાંય કચાશ દેખાશે નહીં. ગુજરાતીમાં મોટાભાગે સામાજિક વિષય પર ફિલ્મ, સિરિયલ કે વેબ સિરીઝ બનાવવાનો ટ્રેન્ડ છે તો તમે કેમ થ્રિલર પર પસંદગી ઉતારી? પ્રશ્નના જવાબમાં હીરાલાલે જણાવ્યું કે,પહેલી વાત ક્રાઇમ પર બનેલી સિરીઝને લોકો પસંદ કરતા હોય છે. હિન્દીમાં જોશો તો આ જૉનરમાં આવતી લગભગ તમામ વેબ સિરીઝને દર્શકોએ આવકારી છે. બીજું, એની વાર્તાનો વ્યાપ વ્યાપક હોય છે. ઉપરાંત કલાકારને પણ એની અભિનય પ્રતિભા દર્શાવવાનો ભરપુર અવસર મળે છે.

હીરાલાલ ખત્રીએ સિરીઝના વિષય અંગે વધુ વાત કરવાની ના પાડવાની સાથે ઉમેર્યું કે સિરીઝનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરાશે. સિરીઝના મુખ્ય કલાકારો છે ફિટનેસ ગુરૂ ગૌરવ ભટ્ટ, ફિરોઝ ઇરાની, બિમલ ત્રિવેદી, મીર હનીફ, તૃષ્ણા વ્યાસ, દિવ્યાંગ સોલંકી, કસલેશ સોલંકી, દેવ મિશ્રા અને વિધિ શાહ. સિરીઝમાં તૃષ્ણા વ્યાસ પહેલીવાર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

જોકે સિરીઝનું મુખ્ય આકર્ષણ છે બૉલિવુડની અભિનેત્રી જસલીન મથારૂ. બિગ બૉસમાં અનુપ જલોટા સાથે ભાગ લઈ ચુકેલી જસલીન સિરીઝમાં બૉલિવુડની સુપરસ્ટાર અભિનેત્રીનું પાત્ર ભજવી રહી છે.

વેબ સિરીઝ સાથે સંકળાયેલ સૂત્રએ ફિલ્મી ઍક્શનને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સિરીઝમાં જસલીનનું પાત્ર રિયા ચક્રવર્તીની રિયલ લાઇફ સાથે મળતું આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here