તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલોહે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

1950માં રિલીઝ થયેલી દીવાદાંડી ફિલ્મનું આ ગીત સાંભળી આજની પેઢીના યુવાનો પણ ઝૂમી ઉઠતા હોય તો જૂની પેઢીના લોકોનું કદાચ શરીર સાથ ન આપતું હોય તો પણ તેમનું હૈયું તો ડોલવા માંડશે. અજિત મર્ચન્ટના સંગીત દિગ્દર્શનમાં દિલીપ ધોળકિયાએ ગાયેલું ત્રણ-ચાર પેઢીનું મનપસંદ એવું આ ગીત તો બધાને યાદ છે પણ આ ગીત કોણે લખ્યું છે એની જાણ ભાગ્યે જ કોઈને હશે. ઠીક છે, તસ્દી લેવાની જરૂર નથી, અમે જણાવી દઇએ કે દીવાદાંડીનાં આ અજરામર ગીતના રચયિતા હતા વેણીભાઈ પુરોહિત. 1 ફેબ્રુઆરી તેમનો જન્મ દિવસ હોવાથી કવિ, ગીતકાર, પત્રકાર, સ્વતંત્રસેનાની વેણીભાઈ પુરોહિતને ફિલ્મી ઍક્શનની ભાવભરી આદરાંજલિ.

1 ફેબ્રુઆરી 1916ના જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈનું શિક્ષણ જામખંભાળિયા અને મુંબઈમાં થયું. તેમણે કારકિર્દીની શરૂઆત બે ઘડી મોજથી થઈ. જોકે પાછળથી તેઓ અમદાવાદના પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તુ સાહિત્યમાં પ્રૂફ રીડરની નોકરી કરતા સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. 1942માં તેઓ સ્વતંત્રતાની લડતમાં જોડાયા અને તેમને દસ મહિનાની જેલની સજા થઈ. જેલમાંથી બહાર આવી તેમણે પહેલા પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1949માં તેઓ મુંબઈ આવ્યા અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબાર જન્મભૂમિમાં જોડાયા. અહીં તેમની પત્રકાર તરીકેની કારકિર્દીની સાથે તેમણે લેખન કાર્ય પણ શરૂ કર્યું. તેમના સિંજારવ (1955), ગુલઝારે શાયરી (1962), દીપ્તિ (1966), આચમન (1975) જેવા કાવ્યસંગ્રહો પણ પ્રસિદ્ધ થયાં. ઉપરાંત તેમણે અત્તરના દીવા, વાંસનું વન, સેતુ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે. એટલું જ નહીં, સંત ખુરસીદાસ ઉપનામથી પુષ્કળ લેખો પણ લખ્યા હતા. તો અખા ભગતના ઉપનામે જન્મભૂમિમાં તેમની વ્યંગાત્મક કૉલમ પણ પ્રસિદ્ધ થતી હતી.

તેમણે થોડી ગુજરાતી ફિલ્મોનાં ગીતો પણ લખ્યા હતા જે આજની તારીખે પણ લોકપ્રિય છે. 1949માં આવેલી જોગીદાસ ખુમાણ ફિલ્મનાં ગીતોથી શરૂઆત કર્યા બાદ તેમણે 1950માં આવેલી ફિલ્મ દીવાદાંડીનું અજરામર ગીત તારી આંખનો અફિણી આપ્યું. ફિલ્મે બૉક્સઑફિસ પર ખાસ દેખાવ નહોતો કર્યો પણ ગીતને કારણે આજે પણ ફિલ્મનું નામ લોકોના હૈયે છે. ઉપરાંત ગુણસુંદરીનો ઘરસંસાર, કરિયાવર, નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મ કંકુના તેમામ ગીતો વેણીભાઈએ લખ્યાં હતા. કંકુનું એક ગીત મુને અંધારા બાલોવે તો આજે પણ લોકો ભૂલ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here