સોહમ રૉકસ્ટાર એન્ટરટેઇન્મેન્ટ અને મિનિ ફિલ્મ્સે આજે તેમની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ફોરેન્સિકનો ફર્સ્ટ લૂક જારી કર્યો હતો. ફોરેન્સિક 2020ની સાઉથની સુપરહિટ ફિલ્મની રીમેક છે.
વિશાલ ફુરિયા દિગ્દર્શિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિક્રાંત મેસી ભજવી રહ્યો હોવાનું સર્જકોએ જણાવ્યું હતું. હવે ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ સામેલ થઈ હોવાનું જાહેર કર્યું છે.
સોહમ રૉકસ્ટાર એન્ટરટેઇન્મેન્ટ અને મિનિ ફિલ્મ્સે તેમના સોશિયલ મીડિયા પર ફોરેન્સિકનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. ફોરેન્સિક નામને અનુરૂપ રહસ્યનું જાળું, આંગળીના નિશાન, લોહીના ધબ્બા, બહિર્ગોળ કાચ અને એક નિશ્ચેતન શરીર. એ સાથે વિક્રાંત મેસી અને રાધિકા આપ્ટેના વિચિત્ર કૅપ્શન. આ તમામ વસ્તુઓ દર્શાવે છે કે દર્શકોને એક મજેદાર સસ્પેન્સ થ્રિલર ફિલ્મની મોજ માણવા મળશે.
દિગ્દર્શક વિશાલ ફુરિયાનું કહેવુ છે કે, ફોરેન્સિક ઘટના સ્થળની વૈજ્ઞાનિક દૃષ્ટીએ અતિ સૂક્ષ્મ તપાસ કરે છે જે ગુનેગારોને શોધવા માટે સહાયરૂપ બને છે. અમે ફિલ્મને મનોરંજક બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ.
મિનિ ફિલ્મ્સની માનસી બાગલાએ જણાવ્યું કે ફિલ્મ ઓથેન્ટિક લાગે એ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરતી વખતે અમે ખાસ ફોરેન્સિક એક્સપર્ટની સહાય લીધી છે. દર્શકોને પહેલીવાર વિક્રાંત મેસી અને રાધિકા આપ્ટેની જોડી જોવાનો લ્હાવો મળશે.
ફિલ્મના મુખ્ય કલાકાર વિક્રાંત મેસીનું કહેવું છે કે ફોરેન્સિકની ટીમ પ્રોફેશનલ છે અને પૂરી તૈયારી સાથે મેદાનમાં આવ્યા છે. વિશાલ સાથે મેં કામ કર્યુ છે અને એની સાથે કામ કરવામાં હું કમ્ફર્ટ ફીલ કરૂં છું.