શુક્રવારે મુંબઈ- ગુજરાતમાં રિલીઝ થયેલી દીપક અંતાણીની ફિલ્મ થેન્ક યુ બૉસનો પ્રીમિયર શનિવારે મુંબઈ ખાતે ફિલ્મ, ટીવી અને નાટ્ય જગતની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. એક હલકીફુલકી મનને પ્રફુલ્લિત કરતી ફિલ્મ મજેદાર સંદેશ પણ આપી જાય છે.
ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે બદ્રીનાથ અને સરસ્વતી. બંને સારું કમાતા હોવા છતાં શહેરની લગભગ તમામ બેન્કોમાંથી લોન લીધી છે. એટલું જ નહીં, બંને તેમના બૉસ પાસે પણ અવનવા કારણો બતાવી રૂપિયા કઢાવતા રહે છે. દેવાના ડુંગર તળે દબાયેલા બદ્રી અને સરસ્વતીના ઘરે લોનની ઉઘરાણી શરૂ થાય છે. ઉઘરાણીવાળાને ભગાડવા માટે બંને તેમના નોકર રાધેશ્યામનો બખૂબી ઉપયોગ કરે છે. પણ દરેક વાતની એક મર્યાદા હોય છે. બેન્કનો રીકવરીવાળાની સાથે બંનેના બૉસ પણ ઘરે આવી પહોંચે છે. આ બધાથી બચવા બંને પાસે એક જ રસ્તો છે મરવાનો…
અને પછી શું થાય છે એ જો અમે કહીએ તો ફિલ્મની મજા જ શું રહે? ફિલ્મની સૌથી સબળ બાજુ છે ફિલ્મની વાર્તા અને દરેક પાત્રને ન્યાય આપતા કલાકારો. હૃષિકેશ મુખર્જી પ્રકારની આ હળવી ફિલ્મમાં અંત સુધા જાણ નથી થતી કે બદ્રી અને સરસ્વતી આટલી લોન શું કામ લે છે. ફિલ્મની શરૂઆતથી હસતા રહેલા પ્રેક્ષકની ભેદ ખુલે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે.
સામાન્યપણે દીપક અંતાણીની ઓળખ ધીર-ગંભર વ્યક્તિ તરીકેની છે તો કૉમેડી ફિલ્મ બનાવવાનું કેમ વિચાર્યું પ્રશ્નના જવાબમાં દીપકભાઈએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિકા કર્યા બાદ લોકોમાં મારી આવી ઇમેજ બંધાઈ છે. પણ ઘણાને ખ્યાલ નહીં હોય, પણ દૂરદર્શન, ઝી ગુજરાતી સહિત અન્ય ચૅનલ પર હાસ્યરસના અનેક કાર્યક્રમો બનાવ્યા છે. હું નિર્માતાઓનો આભાર માનીશ કે મારામાં રહેલી આ પ્રતિભા પર વિશ્વાસ મુકી થેન્ક યુ બૉસ જેવી હાસ્યરસથી પ્રચુર ફિલ્મ બનાવવાનો મોકો આપ્યો.
ફિલ્મના તમામ કલાકારોએ તેમનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું છે. બૉસ પાસેથી પૈસા કઢાવવા માટેના કાવાદાવા કરતા બદ્રીનાથ (આનંદ ગોરડિયા) અને સરસ્વતી (યોગીતા પટેલ)ની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે. ઉપરાંત જીતુ પંડ્યા (નોકર રાધેશ્યામ), સુનીલ વાઘેલા (રિકવરી એજન્ટ), પારસી બૉસ ફિરદોસ મેવાવાલા મોજ કરાવી જાય છે. જ્યારે પંજાબી કૂડી (બદ્રીની બૉસ) તરીકે કલ્યાણી ઠાકર અલગ છાપ છોડી જાય છે.
એકંદરે કોરોના કાળમાં લૉકડાઉનને કારણે સુસ્ત થઈ ગયેલા મગજને ફરી ચુસ્ત બનાવવા માટે એક વાર ફિલ્મ જોવા જેવી ખરી… થેન્ક યુ બૉસ.