જેની લાંબા અરસાથી રાહ જોવાઈ રહી હતી એ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી શુક્રવારે રિલીઝ થઈ. હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન ઑફ મુંબઈ પરથી બનેલી ફિલ્મના નિર્માતા છે સંજય લીલા ભણશાળી અને ડૉ. જયંતિલાલ ગડા.
ફિલ્મની વાર્તા સોળ વરસની ગંગા હરજીવનદાસની છે જે કાઠિયાવાડમાં રહેતી હોય છે. ઘરમાં બધા એને ભણાવીગણાવી મોટી કરવા માંગે છે પણ ગંગાને તો હીરોઇન બનવા માટે મુંબઈ જવા માગે છે. મુંબઈ જવા તલપાપડ ગંગા એના ઘરે કામ કરતા અને છોડો સમય મુંબઈ રહીને આવ્યો હોવાની જાણ ગંગાને થતાં એને મુંબઈ જવાનો સોનેરી મોકો જણાયો. ગંગા રમણિક દ્વારા મુંબઈ જવાનાં સપના જોવા લાગી. એ માટે રમણિક સાથે દોસ્તી કરી જે સમયાંતરે પ્રેમમાં પરિણમ્યો. બંને ભાગીને લગ્ન કરે છે અને બીજા દિવસે જ રમણિક ગંગાને મુંબઈ લઈ આવે છે.
મુંબઈ આવીને રમણિક એનું અસલી રૂપ દાખવે છે અને ગંગાને 500 રૂપિયામાં વેચી દે છે. ગંગાને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે એ ત્યાંથી નીકળવા ઘણા ધમપછાડા કરે છે પણ બધું વ્યર્થ. આખરે એ પરિસ્થિતિને સ્વીકારી લે છે. અને ગંગા હરજીવનમાંથી ગંગુ બની જાય છે.
દરમિયાન કમાઠીપુરામાં શૌકત ખાન નામનો પઠાણ ગંગુ પાસે આવે છે અને એની મારપીટ કરવાની સાથે પૈસા આપ્યા વગર જતો રહે છે. આ ઘટના બાદ ગંગુના જીવનમાં મોટો વળાંક આવે છે અને મનોમન નક્કી કરે છે કે એ આ માણસને સજા અપાવશે અને એ કરીને બતાવે છે. અને અહીંથી શરૂ થાય છે ગંગુની રૂપજીવીનીથી લઈ માફિયા ક્વીન બનવા સુધીની સફર.
ફિલ્મનો પૂરો ભાર આલિયાના ખભે છે અને એ સુપેરે એની જવાબદારી પાર પાડે છે.
ગંગુબાઈનું પાત્ર ભજવવામાં એની પૂરી અભિનય શક્તિ નીચોવી દીધી છે. અને એમાં અતિશયોક્તિ નહીં ગણાય કે ભવિષ્યમાં જ્યારે પણ ગંગુબાઈ કાઠિયાવાડીનો ઉલ્લેખ થશે તો આલિયાનો ચહેરો નજર સમક્ષ તરી આવશે. તો ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાજ, શાંતનુ માહેશ્વરી, સીમા પાહવા, હુમા કુરેશી, ઇન્દિરા તિવારી સહિત તમામ કલાકારોએ દમદાર અભિનય કર્યો છે. અત્રે ખાસ ઉલ્લેખ વિજય રાજનો કરવો રહ્યો. વિજયે ફિલ્મમાં રઝિયાનું પાત્ર ભજવ્યું છે. અત્યંત મુશ્કેલ ભૂમિકા હોવા છતાં વિજય રાજે અત્યંત સાહજિકતાથી ભજવ્યું છે.
નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણશાળી તેમની લાર્જર ધેન લાઇફ ફિલ્મો માટે વિખ્યાત છે. વાર્તાને હિસાબે તેમના પાત્રો તૈયાર કરે છે. ગંગુબાઈ કાઠિયાવાડીમાં પણ તેમણે પોતાની જાતને પુરવાર કરી છે.વેશ્યાવૃત્તિ જેવા ગંભીર મુદ્દાને પણ એકદમ સાહજિકતાથી રજૂ કર્યો છે. તેમની આગલી ફિલ્મોંની જેમ ગંગુબાઈમાં પણ ભવ્યતા દર્શાવવાનો મોહ છોડી શક્યા નથી.
ફિલ્મનું સૌથી સબળ પાસુ છે એના સંવાદો. પ્રકાશ કાપડિયાએ ફરી ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેમની કલમનો ચમકારો દાખવ્યો છે. તો ઉત્કર્ષિનીએ પણ પ્રકાશને બખૂબી સાથ આપ્યો છે.
ફિલ્મના અન્ય વિભાગોની વાત કરીએ તો પટકથામાં અનેક વળાંકો હોવા છતાં દર્શકોને જકડી રાખવામાં સફળ રહે છે. તો ફિલ્મનું એડિટિગ પણ પર્ફેક્ટ હોવાથી પૂરી ફિલ્મ દરમિયાન ક્યાંય કંટાળો આવતો નથી. હા, કોઈને ફિલ્મની લંબાઈ થોડી વધારે લાગી શકે છે. ફિલ્મ પરદા પર આટલી ભવ્ય લાગી રહી હોવાનું એક મહત્ત્વનું પાસું છે એના સેટ. આર્ટ ડિરેક્ટર પલ્લવ ચંદાએ કમાઠીપુરાના સેટ આબેહુબ બનાવ્યા છે. જ્યારે સુદીપ ચેટર્જીની ફોટોગ્રાફી એ સમયના મિજાજને અત્યંત ખૂબસૂરતીથી દર્શાવ્યો છે. જોકે ફિલ્મમાં લાંબો સમય યાદ રહે એવાં ગીતોનો અભાવ જરૂર જોવા મળે છે.
152 મિનિટ લાંબી ફિલ્મ હોવા છતાં દર્શકોને ખાસ કરીને મહિલાઓને પસંદ પડે એવી છે. ફિલ્મ રિવ્યુના અત્યારના ટ્રેન્ડ મુજબ ફિલ્મને રેટિંગ આપવું હોય તો પાંચમાંથી 3 આપી શકાય.