કોઈ પણ ફોર્મેટ પર પ્રદર્શિત કરવા પર સ્થગન આદેશ
એકતા કપૂર અને કંગના રનૌતનો રિયાલિટી શો શરૂ થાય એ પહેલાં જ વિવાદમાં સપડાયો છે. શો ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થવાનો હતો પણ હવે જે સમાચાર આવી રહ્યા છે એના પરથી લાગી રહ્યું છે કે રિલીઝની તારીખ લંબાવવામાં આવે. જેની આતુરતપૂર્વક રાહ જોવાઇ રહી છે એ લોકઅપ વિરુદ્ધ એક અરજદારે કોન્સેપ્ટની ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
અરજીની સુનાવણી દરમિયાન અરજદારે એકતા કપૂર પર કોન્સેપ્ટ ચોરવાનો આરોપ મૂક્યો હતો. અરજદાર સનોબર બેગે કોર્ટને જણાવ્યું કે જેલ કોન્સેપ્ટની સ્ટોરી અને સ્ક્રિપ્ટનો એ એકમાત્ર રાઈટ હોલ્ડર છે. એની અરજી પર સુનાવણી કરતા હૈદરાબાદની સિટી સિવિલ કોર્ટે શોના રિલીઝ પર ad-interim injuction જારી કર્યું છે. એ સાથે કોર્ટે એક નોટિસ જારી કરી કોઈ પણ ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડીયા કે અન્ય માધ્યમો પર શોને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કોન્સેપ્ટની માલિકી પ્રાઈડ મીડિયાના ઓનર સનોબાર બેગ પાસે છે, અને એના લેખક છે શાંતનુ રે જ્યારે શીર્ષક આનંદે લખ્યું છે. એને ૭ માર્ચ, ૨૦૧૮ના કોપીરાઇટ એક્ટ હેઠળ રજિસ્ટર કરાવવામાં આવ્યો હતો. એને ફિલ્મ રાઇટર્સ એસોસિયેશનમાં પણ રજિસ્ટર કરાયો છે.
બેગે જણાવ્યું કે, મેં જ્યારે પ્રોમો જોયો તો મને આઘાત લાગ્યો. હું ઘણા સમયથી એન્ડમોલ શાઈનના અભિષેક રેગેના સંપર્કમાં છું અને હૈદરાબાદ ખાતે અનેક મીટીંગ પણ કરી હતી. તેમણે વાયદો કર્યો હતો કે પરિસ્થિતિ સુધરે કે કામ આગળ વધારશું. આ શો માત્ર અમારા કોન્સેપ્ટની નકલ જ નથી પણ એની સીધી કોપી છે. હું માની શકતો નથી કે કોઈ આટલી હદે કોન્સેપ્ટની ચોરી કરી શકે. અમે કોપીરાઇટના ઉલ્લંઘન અંગે કરેલી અરજી બાદ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે.