રેખાના ચાહકો માટે એક મોટી ખુશખબરી છે કે એ કમબેક કરી રહી છે. અને મજાની વાત એ છે કે એનું કમબેક મોટા પરદે નહીં પણ ટેલિવુડમા થઈ રહ્યું છે.

બૉલિવુડની એવરગ્રીન હીરોઇન રેખા ટૂંક સમયમાં ટેલિવુડ પર એન્ટ્રી કરી રહી છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા શો ગુમ હો કિસી કે પ્યાર મેંમાં રેખા પ્રેઝન્ટર તરીકે નજરે પડશે. તાજેતરમાં મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલી ફાઇવસ્ટાર હોટેલમાં શોનો પ્રોમો શૂટ કર્યો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે માત્ર દસ કલાકના શૂટિંગ માટે રેખાએ કરોડો રૂપિયાની ફી વસુલી છે.

શો સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ શોનું ટાઇટલ રેખાની ૧૯૭૫માં આવેલી ફિલ્મ રામપુર કા લક્ષ્મણનાં ગીત પરથી રાખવામાં આવ્યું છે. શોના નિર્માતાએ રેખા સાથે જ્યારે આ અંગે વાત કરી ત્યારે એ ઘણી ખુશ થઈ. વાતચીત દરમ્યાન અભિનેત્રીએ જણાવ્યું કે એનાં સૌથી ફેવરિટ ગીતોમાંનું એક છે. ઉપરાંત નિર્માતાએ શોના પ્રેઝન્ટર બનવાની ઑફર કરી તો એણે તુરંત હા પાડી દીધી. કૉસ્ચ્યુમથી લઈ હેર સ્ટાઇલિંગ અને મેકઅપ સુધી, રેખાએ પર્સનલી એનો લૂક ફાઇનલ કર્યો હતો.

સૂત્રએ વધુમાં જણાવ્યું કે, કોવિડ ૧૯ને ધ્યાનમાં રાખી શોની ટીમે ફાઇવસ્ટાર હોટેલમાં રેખાના શૂટનું આયોજન કર્યું હતું. રેખાએ લગભગ ૧૦ કલાક આપ્યા હતા. જોકે આ પ્રોમો માટે ચૅનલે મોટી રકમ પણ ચુકવવી પડી. નિર્માતાએ રેખાને બે કરોડ રૂપિયા ચુકવી પ્રોમો માટે સાઇન કરી હતી.

એવું કહેવાઈ રહ્યું છે કે રેખાની ચર્ચિત લવ સ્ટોરીની જેમ શોમાં પણ લવ ટ્રાએન્ગલ દર્શાવવામાં આવશે. ગુમ હૈ કિસી કે પ્યાર મેં આઈપીએસ ઑફિસર વિરાટ ચૌહાણની વાત છે જે  પ્રેમ અને ફરજ વચ્ચે ફસાયેલો હોય છે. વિરાટ (નીલ ભટ્ટ) પત્રલેખા (ઐશ્વર્યા શર્મા)ને પ્રેમ કરે છે, પરંતુ સંજાગોવશાત એને ફરજ નિભાવવાના પ્રયાસમાં એક શહીદની દીકરી (આયેશા સિંહ) સાથે લગ્ન કરવાની ફરજ પડે છે. મજાની વાત એ છે કે આ શોમાં દર્શાવાનારો લવ ટ્રાએન્ગલ રેખાની અંગત જિંદગી સાથે પણ સાંકળવામાં આવે એવી શક્યતા છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં એકતા કપૂરના શોને રિપ્લેસ કરશે જેને બે વરસ અગાઉ બૉલિવુડના કિંગ શાહરૂખ ખાને પ્રેઝન્ટ કર્યો હતો. શોમાં શાહરૂખ નરેટર તરીકે નજરે પડ્યો હતો.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં ૫ ઓક્ટોબરથી સોમવારથી શનિવારે સ્ટાર પ્લસ પર રાત્રે ૮ વાગ્યે પ્રસારિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here