ગયા વરસે સમગ્ર ભારતમાં અમલમાં મુકાયેલા લૉકડાઉન દરમ્યાન મહિનાઓ સુધી શૂટિંગની પરવાનગી ન હોવાથી ફિલ્મ-ટીવી-વેબ સિરીઝના નિર્માતાઓને શૂટિંગ બંધ રાખ્યા સિવાય છૂટકો નહોતો. પરંતુ આ મહિને મહારાષ્ટ્રમાં અમલમાં મુકાયેલા આંશિક લૉકડાઉનમાં પણ શૂટિંગ પર પ્રતિબંધ મુકાતા નિર્માતાઓ 30 એપ્રિલ સુધી શૂટિંગ કરી શકશે નહીં. અગાઉ નુકસાનીનો માર ઝીલી ચુકેલા નિર્માતાઓએ જે રાજ્યમાં શૂટિંગની પરવાનગી છે ત્યાં ફિલ્મ-સિરિયલના શૂટિંગ કરવાનું નક્કી કર્યું.
નિર્માતાનું કહેવું છે આ વખતે સમગ્ર ભારતમાં લૉકડાઉન ન હોવાથી અમે જ્યાં શૂટિંગ થઈ શકે છે ત્યાં શૂટિંગ કરવાનું નક્કી કર્યુ છે. તેમનું કહેવું છે ગયા વરસે અમે ઘણું નુકસાન સહન કર્યું છે અને હવે ખોટ સહન કરવાની શક્તિ રહી નથી. અમે જ્યાં પણ શૂટિંગ કરશું ત્યાં કોવિડ અંગેના તમામ નિયમોનું પાલન કરાશે. અમે પણ બ્રેક ધ ચેન અભિયાનને સપોર્ટ કરીએ છીએ.
જે સિરિયલોનું શૂટિંગ મુંબઈથી શિફ્ટ થયા છે એમાં કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્યનું યુનિટ ગોવા પહોંચ્યું છે. જ્યારે સાથ નિભાના સાથિયાનું શૂટિંગ પહેલાં ગુજરાત કરવાનું વિચાર્યું હતું પણ નિર્માતાની બીજી એક સિરિયલનું શૂટિંગ આગ્રામાં થઈ રહ્યું હોવાથી સાથિયાનું શૂટિંગ પણ આગ્રા કરવાનું નક્કી કરાયું. સિરિયલના તમામ કલાકાર-કસબીઓએ આગ્રામાં શૂટિંગ પણ શરૂ કરી દીધું હોવાનું સિરિયલના કલાકાર સચિન પરીખે જણાવ્યું હતું.
આ સિવાય ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી હવે સુરતમાં ફિલ્માવાશે. જ્યારે ઇમલી, મેહંદી હૈ રચનેવાલીના શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ શૂટિંગમાં શિફ્ટ થઈ રહ્યા છે. તો ટીઆરપીમાં સતત નંબર વન પર રહેતી સિરિયલ અનુપમાનું શૂટિંગ રાજકોટ કે ગોવા ખાતે થાય એવી શક્યતા છે. તેરી મેરી જિંદરીનું શૂટિંગ જયપુર ખાતે કરાશે. હમારીવાલી ગુડ ન્યુઝ – હરિયાણા, છોટી સરદારની દિલ્હીના બહારી વિસ્તારમાં, પ્રેમ બંધન સિલવાસા ખાતે શૂટ કરાશે. જ્યારે શૌર્ય ઔર અનોખી કી કહાની, યે હૈ ચાહતેં ગોવા ખાતે શિફ્ટ થશે.