છેલ્લા 13 વરસથી સતત સબ ટીવી પર પ્રસારિત થઈ રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એનિમેશન વર્ઝન તાજેતરમાં સોની-યે ચૅનલ પર શરૂ થયું. હવે હિન્દીનો આ પોપ્યુલર શો મરાઠી અને તેલુગુમાં પણ જોવા મળશે. તાજેતરમાં બંને ભાષાના શોને યુ ટ્યુબ ચૅનલ પર લૉન્ચ કરવામાં આવ્યા. મરાઠી શોનું નામ ગોકુળધામચી દુનિયાદારી છે જ્યારે તેલુગુનું નામ તારક મામા આયો રામા રાખવામાં આવ્યુ છે. શો યુ ટ્યુબ ચૅનલ પર અપલૉડ થયાના કલાકોમાં જ સબસ્ક્રાઇબર્સની સંખ્યા સાત મિલિયનને વટાવી ગઈ હતી.
નીલા ટેલિફિલ્મ્સ પ્રા. લિમિટેડના સર્વેસર્વા આસિત મોદીએ જણાવ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવો શો છે જે લાઇવ પ્રદર્શિત થવાની સાથે એનું એનિમેશન વર્ઝન પણ દર્શાવાઈ રહ્યુ છે. એ સાથે બે પ્રાદેશિક ભાષામાં પણ દર્શાવાઈ રહ્યો છે. આસિત મોદીએ વધુમાં જણાવ્યુ કે શો ઓર એક પ્રાદેશિક ભાષામાં રજૂ કરાશે.
2008માં શરૂ થયેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 3100થી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચુક્યા છે. દેશ-વિદેશમાં શોના પાત્રો જાણીતા બની ચુક્યા છે. છેલ્લા 13 વરસથી પ્રસારિત થઈ રહેલા શોના મોટાભાગના કલાકારો પણ પહેલા એપિસોડથી શો સાથે સંકળાયેલા છે.