લૉકડાઉન દરમિયાન શેમારૂમી પર ગુજરાતી વેબસિરીઝ ‘વાત વાતમાં’ એ દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. પહેલી સીઝનની સફળતા અને દર્શકોએ આપેલા અનહદ પ્રેમને પગલે શેમારૂમી પોતાના દર્શકો માટે હવે રિટર્ન ગિફ્ટ લઈને આવ્યું છે. શેમારૂ મી પર 21 જુલાઈથી વાત વાતમાંની બીજી સીઝન ‘વાત વાતમાં રિટર્ન્સ’ સ્ટ્રીમ થઈ રહી છે.
બીજી એડિશનની વાર્તા પણ સંબંધોની જ છે. સ્વયમ પોતાની ગર્લફ્રેન્ડ પહેલને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેને લગ્ન કરવા માગે છે, પરંતુ વચ્ચે આવે છે કલ્ચરલ ડિફરન્સ. ગામડામાં રહેતા સ્વયમના માતા-પિતાને પોતાની વહુ અંગે ખૂબ જ જુદી અપેક્ષાઓ ધરાવે છે, જ્યારે પહેલ એકદમ અલ્ટ્રામોડર્ન લાઈફસ્ટાઈલ જીવી રહી છે. હવે જોવાનું એ છે કે આ પરિવાર અને ગર્લફ્રેન્ડ વચ્ચે સેન્ડવિચ બનેલો સ્વયમ કોને મનાવી શક્શે? સ્વયમની આ મથામણ દરમિયાન તેના પપ્પા સાથે થતાં એન્કાઉન્ટર્સ અને પહેલ સાથે થતા ઝઘડાં દર્શકો માટે લાફ્ટરનો બૂસ્ટર ડોઝ સાબિત થવાના છે.
સેકન્ડ સિઝનની રિલીઝ સમયે મલ્હારનું કહેવું છે, ‘સૌથી પહેલા તો શેમારૂ સાથે મારો સંબંધ ખૂબ જ લાંબો છે. તો મને શેમારૂ સાથે કામ કરવાની મજા આવે છે. અને વેબ સિરીઝની વાત કરીએ તો આ સીઝન ખૂબ અલગ છે. આ વખતે બે જુદા જુદા કલ્ચરના પરિવારો ભેગા થઈ રહ્યા છે. આપણી આસપાસ પણ જો આવું થાય તો ટેસડો પડે, એવી જ મજા વેબ સિરીઝ જોતા સમયે પડશે. લગ્ન કરવા જઈ રહેલા દરેક છોકરાને કે છોકરીને આ વાર્તા પોતાની લાગવાની છે. આવી રિફ્રેશિંગ વેબ સિરીઝ કરવાનો મને ઘણો આનંદ આવ્યો.’ તો પૂજા જોશીનું કહેવું છે, ‘શેમારૂ સાથે મારો ત્રીજો પ્રોજેક્ટ છે, અને મારો અનુભવ એટલો સારો છે કે આગળ પણ સાથે કામ કરીશું તો મજા પડશે. આ ઘર ઘર કી કહાની છે. આમાં બે સાવ જુદા વિશ્વના લોકો પ્રેમમાં છે, એટલે બંનેના પરિવારો જ્યારે ભેગા થાય ત્યારે હાસ્યનું વાવાઝોડું સર્જાય છે, એમાં દર્શકોને મજા પડશે. સાથે જ લાગણીઓનો ઈમોશનલ ટચ પણ લોકોને ગમશે એની મને ખાતરી છે.’
કર્તવ્ય શાહ દિગ્દર્શિત આ વેબ સિરીઝમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની સાથે નિસર્ગ ત્રિવેદી, ચેતન દૈયા, કલ્પેશ પટેલ, મોરલી પટેલ, કૃપા પંડ્યા જેવા ગુજરાતી ઈન્ડસ્ટ્રીના કલાકારો દર્શકોને મોજ કરાવશે.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂ મી સૌથી વધુ કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂ મી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણે તમે તમારી પોતાની ભાષાનું મનોરંજન શેમારૂ મી પર માણી શકો છો.