કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ ૧૨

ઔર એ મારા ચૌકા , લોકડાઉન ચારના શ્રી ગણેશ કરીને પ્રધાનમંત્રીએ દરેક રાજ્યને એમની રીતે ધીમે ધીમે લૉકડાઉન હળવું કરવાની છૂટ આપી દીધી. જેમને રમતા આવડે છે એ રમશે, જે નવા ખેલાડી છે એને કૉચ શીખવાડશે એ પ્રમાણે કરશે, સત્યનારાયણની કથા પૂરી થઇ ત્યારે વીસ લાખ કરોડનો મહાપ્રસાદ પણ અનાઉન્સ કર્યો. જે નાના નાના દડિયામાં બધાને મળશે. વીસ લાખ કરોડ સાંભળી ઘણાને ઊંઘ આવી અને ઘણાની ઊંઘ ઉડી પણ ગઈ.

પપ્પા વીસ લાખ કરોડમાં કેટલા મીંડા આવે ?

મારી બેબીએ પબજી રમતા રમતા સ્ક્વેયર કટ માર્યો. એ તો બે ચાર સૈનિકને મારતા એના રૂમમાં જતી રહી પણ હું ટોટલ મીંડા ગણાતો રહ્યો, હજુ ગણું છું અને નાનો વર્ગ મારી જેમ ગણતો રહેશે. અત્યારે તો બધા “મને શું મળશે?” નો હિસાબ કરતા હશે વીસ લાખ કરોડ… મજદૂરોથી ઉભરાયા રોડ.

યાર લેખક, આ વીસ લાખ કરોડ બધાને મળશે ?

મેં આસપાસ જોયું કોઈ નહોતું બારી પર કોરોના દિવાળીના કંદીલની જેમ લટકી રહ્યો હતો.

અરે તું ત્યાં કેમ લટકે છે? નીચે ઉતર, ઉતર નીચે.

લેખક મૂળ તો હું ચામાચીડિયામાંથી આવ્યો છું એટલે લટકવું મને ગમે અને જેની અંદર ઘુસી જાઉં એને લટકાવવાની પણ મઝા પડે.

તું પહેલા નીચે ઉતર.

કોરોના ઓલિમ્પિકના ગૉલ્ડમેડાલિસ્ટની જેમ આડાઅવળો કુદીને સીધો બાલ્કનીએ બેસી ગયો. અને ફરી એ જ સવાલનું રિપીટ ટેલિકાસ્ટ કર્યું.

વીસ લાખ કરોડ બધાને મળશે?

તું કોઈ નેતા છે? વિરોધ પક્ષે તને સોપારી આપી છે હવનમાં હાડકા નાખવાની કે આવા સવાલ પૂછે છે?

ના. આ તો જેમને હું જોઉં છું એ એક જ વાત કરે છે કે વીસ લાખ કરોડ મેં સે અપનેકુ ક્યા મિલેગા?

કીડીને કણ, હાથીને મણ, સીતારમણ આપી જ દેશે. તારે ચિંતા કરવાની જરૂર નથી સમજ્યો.

મારે શુ કામ ચિંતા કરવાની, કોરોના બોલ્યો. હું તો એ..ય મસ્ત નવા નવા પેશેન્ટ ઊભા કરું છું તમારા દેશમાં. લાગે છે ઉપરની ટિકિટ કપાયાનો વર્લ્ડ રેકોર્ડ મારા થકી જ થશે તમારા દેશમાં.

ભૂલી જા, તને હવનમાં હોમવા માટે હોમિયોપથી ગોળી બજારમાં આવી ગઈ છે. જે જે એ ગોળી ખાશે એને તું હાથ પણ નહીં લગાડી શકે. અને લોકો પણ જાગૃત થઇ ગયા છે. કોરોના અબ તુઝે રોના પડેગા, તારા વળતા પાણી છે આ દેશમાં. પણ હા, તારા કારણે ભવિષ્યમાં અમને ઘણા ફાયદા થવાના છે, આડે પાટે જતી અમારી સંસ્કૃતિ સીધે રસ્તે આવી જશે.

એટલે? ઉત્સાહપૂર્વક કોરોના મારા તરફ આવતો હતો ત્યાં જ મેં એને સેનેટાઈઝર સ્પ્રે થી દૂર કર્યો.

અરે આજકાલની ફિલ્મો, વેબસિરીઝવાળા, કોઈ કોઈ ટીવી સિરિયલવાળા આડેધડ ચુમાચાટી, કિસિંગ સીન, બેડરૂમ સીન  અને ઉહ..આહ..આઉચના સીનો બતાડતા હતા એ બધા બંધ થઇ જશે. દરેક શૂટિંગના સેટ ઉપર કોરોના નિયંત્રણ અધિકારી ઊભો હશે. જરાક હીરો હીરોઈનના હોઠ તરફ વધશે કે પેલો ફૂટબોલના રેફરીની જેમ સીટી મારશે અને બંનેને અટકાવશે. એક ફૂટ દૂર… એક દૂર દૂર… રાહાયચા.. હીરોઈન કો ટચ ભી નહીં કરને કા. માસ્ક લગાને કા લગનમાં વરવધૂ એક ફૂટની લાકડીથી એકબીજાને હાર પહેરાવશે.

મારી વાત સાંભળી કોરોના હસતો હતો. અચાનક મારું ધ્યાન ગયું.

અલ્યા શું થયું? તું કેમ હસે છે?

માસ્ક પહેર્યા હશે તો કોઈ જલ્દી ઓળખાશે પણ નહીં, લગનમાં પતિની બાજુમાં પોતાની જ પત્ની છે કે નહીં એ જોવા તો માસ્ક હટાવવો જ પડશે ને.  

માસ્ક હટાવશે તો પ્રોડ્યુસરે દંડ ભરવો પડશે. અને શૂટિંગ કેન્સલ. ધીરે ધીરે બધાને એકબીજાથી દૂર રહેવાની આદત પડી જશે. હીરો અને વિલનની મારામારી તો થશે જ નહીં, દૂરથી જ ડાયલોગબાજી થશે અને છેલ્લે બંદૂકબાજી. નજીક કોઈએ જવાનું જ નહીં. વેબ સિરીઝમાં તો બધું બંધ કેમ કે એમાં તો મન મુકીને આવા કઢંગા દ્રશ્યો ભજવાય છે. બધા બંધ. તું નહીં હોય પણ તારો ડર તો રહેવાનો જ કોરોના.

હમ જહાં જાતે હૈ વહાં અપની યાદ છોડ જાતે હૈ. સલમાનની સ્ટાઈલમાં કોરોના બાલ્કનીએ ઊભા થઇ એક હાથ દીવાલ પર ટેકવતા બોલ્યો. અને મને આંખ મારી.

આજે પણ મારા નામે વુહાન શહેરનાં લોકો ફફડે છે. ત્યાં હું નથી પણ મારો ડર આજે ય છે.

તારો ડર અહીંયા પણ રહેવાનો જ છે. ગણપતિ, નવરાત્રિ, દિવાળી બધા દૂર દૂર રહીને મનાવશે એ નક્કી. અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધતા ભારતના દરેક ઘરમાં મેઈડ ઇન ઇન્ડિયાની વસ્તુઓની શરૂઆત થશે.

ભારત થશે પગભર કેમ કે બધા જ હશે આત્મનિર્ભર.

અચનાક મને કોઈએ ગલગલિયા કર્યા હોય એવું લાગ્યું, સામે જોયું તો મારી બા મને લાકડીથી ગલગલિયા કરતા હતા.

અલ્યા ટીનીયા આ શું કરશ? આ ઊંઘમાં આતમ ભર ભર..આતમ ભર ભર કેમ બોલ્યા કરશ?

મારી આંખ ખુલી, આંખો ચોળતા મેં જોયું તો કોરોના બાલ્કનીએ નહોતો અને મનેય વાત કરતા કરતા ઝોકું આવી ગયું હતું મેં બાને કહ્યું.

બા આતમ ભર ભર નહિ આત્મનિર્ભર.

હા ઈ આતમ નીમ્ભર. કે આતમ ભર ભર. તું ઊભો થા અને મારા હાટુ પાણીનો ગ્લાસ ભર મારે ફાકી લેવાની છે.

હું બા માટે પાણી લેવા ઉઠ્યો પણ હજુ સુધી ખબર ન પડી કે મને આંખ ક્યારે લાગી ગઈ.

છેલ્લે છેલ્લે...

લૉકડાઉન બાદ પહેલા દિવસે કામે ગયો.

સાહેબે કેબિનમાં બોલાવ્યો અને એક કવર આપ્યું.

મને થયું કે એડવાન્સ બોનસ હશે. કવરમાં કાપલી હતી જેમાં લખ્યું હતું.

“ આત્મનિર્ભર બનો ”

સમજે તે સમજદાર.

અશોક ઉપાધ્યાય