ગુજરાતી-હિન્દી ફિલ્મ, ટીવી સિરિયલનાં જાણીતાં અભિનેત્રી રૂપા દિવેટિયા એકતા કપૂરની સિરિયલમાં કંઇક અનોખા અંદાજમાં જોવા મળશે. વરસોથી મનોરંજન જગતમાં કાર્યરત રૂપા દિવેટિયાએ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન જમાવ્યું છે. તેમની લાંબી ઇનિંગ દરમ્યાન પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પ્રકાની ભૂમિકા ભજવી ચુકેલાં આ જાજરમાન અભિનેત્રી હવે ૫૭મા વરસે ઍક્શન કરતાં જોવા મળશે.

જી, તમે બરોબર વાંચ્યું. રૂપા દિવેટિયા એકતા કપૂરની ટૂંક સમયમાં ઑન ઍર થનારી સિરીઝ બ્રહ્મરાક્ષસ-૨માં કંઇક અલગ અંદાજમાં આવી રહ્યાં છે. શોમાં પર્લ વી. પુરી અને નિકી શર્મા મુખ્ય ભૂમિકામાં છે.

બ્રહ્મરાક્ષસમાં રૂપા દિવેટિયા એક તાંત્રિકની પત્નીની ભૂમિકામાં છે જેમનામાં કંઇક અજબગજબના ગુણની સાથે વિચિત્ર ખાસિયતો પણ છે. અત્યાર સુધી ભજવેલાં પાત્રો કરતા હટકે ભૂમિકા ભજવી રહેલાં રૂપા દિવેટિયાએ પંદરેક વરસ અગાઉ આવું સુપર નેચરલ પાત્ર ભજવ્યું હતું. મજાની વાત એ છે કે શોમાં રૂપા દિવેટિયા તેમની ઉંમરને કોરાણે મુકી ગજબના સ્ટંટ કરવાનાં છે. અભિનેત્રીએ ત્રીસેક વરસ અગાઉ લેડી ડૉનનું પાત્ર ભજવ્યું હતું ત્યારે ઍક્શન સીન કર્યાં હતાં. શોમાં તેઓ ભલે ૭૦ વરસનાં દર્શાવાયાં હોય પણ તેમની એનર્જી ૧૭ વરસની છોકરી જેટલી છે. બ્રહ્મરાક્ષસ ૨૨ નવેમ્બરથી ઝી ટીવી પર પ્રસારિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here