રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના અતૂટ સબંધનો પાવન પર્વ મનાય છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ એની બહેનની રક્ષા કરવાનું પ્રણ લે છે. પણ આ એકવીસમી સદી છે જેમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે આપણા તહેવારોના પણ રીતિરિવાજોમાં પરિવર્તન આવવું જોઇએ. દંગલ ટીવી પર 19 જુલાઈથી શરૂ થયેલી રક્ષાબંધન : રસાલ અપને ભાઈ કી ઢાલની કથામાં પણ ટ્વીસ્ટ છે, ભાઈ એની બહેનને રાખડી બાંધે છે અને બહેનને એની રક્ષા કરવાનું વચન આપે છે. શોનો કન્સેપ્ટ નવો અને અનોખો હોવાથી દર્શકોને પસંદ પડશે એવી આશા સિરિયલના સર્જકોને છે.
સિરિયલની વાર્તાનું મૂળ રાજસ્થાનના દેવરિયા ગામમાં રહેતા ભાઈ-બહેનના અતૂટ સંબંધની છે. બહેન રસાલ તમામ મુશ્કેલીઓનો સામનો કરી ભાઈ શિવરાજની ઢાલ બનીને ઊભી રહે છે. રસાલનું માનવું છે કે જો એક ભાઈ એની બહેન પાસે રાખડી બંધાવી એની રક્ષાનું વચન લઈ શકતો હોય તો એક બહેન પણ ભાઈ પાસે રાખડી બંધાવી એની સુરક્ષાનું વચન કેમ ન લઈ શકે. જોકે વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેમની જિંદગીમાં સાવકી માની એન્ટ્રી થાય છે. સાવકી મા ભાઈ-બહેનને અલગ કરવાની અને તેમની સંપત્તિ હડપ કરવાની કોશિશ કરે છે. રસાલ કેવી રીતે એના ભાઈની ઢાલ બની રક્ષા કરે છે એ સિરિયલમાં દર્શાવવામાં આવ્યું છે.
દંગલ ટીવીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ સિંઘલનું કહેવું છે કે, અમારા દર્શકોને નીતનવી પણ ઓરિજિનલ કથાનક ધરાવતી સિરિયલ દર્શાવવાના પ્રયાસો કરીએ છીએ, અને અમારી આ નીતિને દર્શકોનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. દંગલ ટીવી પર અમારું લક્ષ્ય છે મહિલા સશક્તિકરણની વાત કરતી સિરિયલ દર્શાવવાનું. સોમવારથી શુક્રવારે સાંજે 7.30 વાગ્યે પ્રસારિત થતી રસાલ : અપને ભાઈ કી ઢાલ પણ આજ કેટેગરીમાં આવતી સિરિયલ છે જેમાં મહિલાઓ ઘર અને ઘરની બહાર પણ પુરુષ સમોવડી છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
સિરિયલમાં રસાલની ભૂમિકા હાર્દિક શર્માએ અને શિવરાજનું પાત્ર અજિંક્ય મિશ્રાએ ભજવ્યું છે. આ ઉપરાંત નાયરા બેનર્જી, નિશાંત મલકાની, સંચિતા બેનર્જી જેવા ફિલ્મ-ટીવી સિરિયલના જાણીતા કલાકારો પણ એક અલગ અંદાજમાં જોવા મળશે.