પવનદીપને ઇનામમાં મળ્યા 25 લાખ રૂપિયા અને સ્વિફ્ટ કાર
દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલા ઇન્ડિયન યડલના 75મા એપિસોડ (ગ્રૅન્ડ ફિનાલે)માં છ સ્પર્ધકો ટાઇટલ જીતવા એક બીજાને ટક્કર આપી રહ્યા હતા. બપોરે બારથી રાત્રે બાર વાગ્યા સુધી ચાલેલી ગ્રૅન્ડ ફિનાલેમાં ઉત્તરાખંડનો પવનદીપ રાજન વિજેતા જાહેર થયો હતો. જ્યારે અરુણિતા કાંજીલાલ અને સાયલી કાંબલે અનુક્રમે ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ જાહેર કરાયા હતા. પવનદીપ રાજનને ઇન્ડિયન આયડલની ટ્રોફી ઉપરાંત 25 લાખ રૂપિયા અને સ્વિફ્ટ કાર ઇનામમાં મળ્યા હતા. જ્યારે બંને રનર અપને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
પવનદીપ ઇન્ડિયન આયડલમાં આવ્યા બાદ દેશભરમાં એનું નામ ભલે ચર્ચામાં આવ્યુ હોય, પણ એ અગાઉ સંગીતની દુનિયામાં નામ કમાઈ ચુક્યો હતો. મળતી જાણકારી મુજબ પવનદીપ ભારતના વિવિધ રાજ્યોમાં અને 13 વિદેશી દેશમાં મળી લગભગ બારસોથી વધુ શો કરી ચુક્યો છે. એ માત્ર બે-અઢી વરસનો હતો ત્યારે સૌથી યંગેસ્ટ તબલા પ્લેયરનો અવૉર્ડ જીત્યો હતો. અત્યારે અનેક વાજિંત્રો વગાડવામાં માહેર પવનદીપ RAIT નામના બૅન્ડનો મેમ્બર પણ છે.
ઉત્તરાખંડના ચંપાવતમાં રહેતા પવનદીપ રાજનને સંગીત વારસામાં મળ્યું છે. એની નાની લોકગાયિકા હતી. જ્યારે એના પાપા સુરેશ રાજન ત્યાંના જાણીતા ગાયક છે. તો બહેન જ્યોતિદીપ પણ ગાયિકા છે.
પવનદીપ 2015માં ધ વૉઇસ ઇન્ડિયા સીજન-1નો વિજેતા રહી ચુક્યો છે. ત્યારે એને 50 લાખ રૂપિયાની સાથે અલ્ટો કાર ઇનામમાં મળી હતી. ઉપરાંત યુનિવર્સલ મ્યુઝિક સાથે એક ગીતનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. એ માત્ર સારો ગાયક જ નથી પણ કમ્પોઝર અને મ્યુઝિક ડિરેક્ટર પણ છે.
નાની ઉંમરમાં અનેક ઉપલબ્ધિ મેળવવાને કારણ ઉત્તરાખંડ સરકારે પવનદીપ રાજનને યુથ એમ્બેસેડર ઑફ ઉત્તરાખંડના ખિતાબથી પણ નવાજ્યો હતો.