ભારતના સૌથી જૂના અવૉર્ડ ગણાતા ફિલ્મફેર અવૉર્ડમાં આ વરસે દસ-દસ અવૉર્ડ પોતાના નામે કરી ચુકેલી ગંગુબાઈ કાઠિયાવાડી અંગે આનંદ વ્યક્ત કરતા સંજય લીલા ભણશાળીએ કહ્યું કે, આ એક એવી ફિલ્મ છે જેના પર મને પૂરો વિશ્વાસ હતો અને મને ઘણો આનંદ છે કે મેં આ ફિલ્મ બનાવી.
ગંગુબાઈ કાઠિયાવાડીને કુલ 16 નોમિનેશન મળ્યા હતા જેમાંથી દસ અવૉર્ડ પોતાના નામે કર્યા હતા. જે કેટગરીમાં અવૉર્ડ મળ્યા એમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેત્રી (આલિયા ભટ્ટ), શ્રેષ્ઠ સંવાદ (પ્રકાશ કાપડિયા, ઉત્કર્ષિની વશિષ્ઠ), શ્રેષ્ઠ પાર્શ્વ સંગીત (સંચિત બલ્હારા અને અંકિત બલ્હારા), શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શક (કૃતિ મહેશ, ગીત-ઢોલિડા), શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (સુદીપ ચેટર્જી), શ્રેષ્ઠ કૉસ્ચ્યુમ (શીતલ ઇકબાલ શર્મા), શ્રેષ્ઠ પ્રોડક્ષન ડિઝાઇન (સુબ્રત ચક્રવર્તી અને અમિત રે)નો સમાવેશ થાય છે. ઉપરાંત અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ માટેનો વિશેષ આર.ડી.. બર્મન પુરસ્કાર જાન્હવી શ્રીમંકર (ઢોલિડા) માટે એનાયત કરાયો.
ફિલ્મને મળેલા અવૉર્ડ અંગે પ્રતિક્રિયા આપતા સંજય લીલા ભણશાળીએ કહ્યુ કે, અમારા માટે આ મોટો અવસર છે. અને મને લાગે છે કે આખરે અમારી મહેનત રંગ લાવી. આ એક એવી ફિલ્મ છે જેના પર અમને વિશ્વાસ હતો અને મને આનંદ એ વાતનો છે કે મેં આ ફિલ્મ બનાવી. એ સાથે આલિયા ભટ્ટે ફિલ્મમાં કામ કર્યું અને અજય દેવગણ સહિત ફિલ્મમાં અભિનય કરનાર તમામ કલાકારો, ટેક્નિશિયન સહિત મારા માટે ઘણો આનંદનો દિવસ છે. અમે મહામારી દરમિયાન અમલમાં મુકાયેલા લૉકડાઉન દરમિયાન કામ કર્યુ હોવાથી આ ફિલ્મ અમારા માટે ખાસ રહેશે.
ગયા વરસે 72મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફસ્ટિવલમાં પ્રીમિયર થયા બાદ ગંગુબાઈ કાઠિયાવાડીને ભારતમાં રિલીઝ કરવામાં આવી અને 2022ની હિન્દી ભાષાની પહેલી બ્લૉકબસ્ટર ફિલ્મ બની.