આ વરસે એપ્રિલે ધામધૂમથી લગ્ન કરનાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આજે તેમના ચાહકોને રાજીના રેડ કરી દીધાં. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો શેર કર્યા છે જેમાં એકમાં એ હોસ્પિટલના બેડ પર સૂતી છે જ્યાં એની સાથે રણબીર કપૂર પણ છે. અને સામે સ્ક્રીન પર એની સોનોગ્રાફીમાં બેબીની ઝલકને આલિયાએ હાર્ટ બનાવી ઢાંકી દીધી છે. તો બીજા ફોટામાં આલિયાએ સિંહ અને સિંહણ સાથે એનાં બચ્ચાનો ફોટો શેર કર્યો છે. એ સાથે કૅપ્શનમાં લખ્યું હતું, હમારા બેબી… જલ્દ આ રહા હૈ.
આલિયાની પ્રેગ્નન્સી અંગે સૂત્રોએ આપેલી જાણકારી મુજબ અભિનેત્રીએ એના તમામ અપકમિંગ પ્રોજેક્ટના શિડ્યુલ પૂરા કર્યા છે. આગામી થોડા દિવસોમાં આલિયા એના હૉલિવુડનો ડેબ્યુ પ્રોજેક્ટ પણ પૂરો કરી લેશે. ત્યાર બાદ એ નિર્માત્રી તરીકેના એના હૉમ પ્રોડક્શનના પ્રોજેક્ટને પૂરા કર્યા બાદ આલિયા બ્રેક લે એવી શક્યતા છે.
આલિયા અને રણબીરે આ વરસે જ અચાનક 14 એપ્રિલે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન મુંબઈમાં જ થયાં હોવા છતાં અંગત લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આલિયા અને રણબીર કપૂરે 2018માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બ્રહ્માસ્ત્રના સેટ પર તેમનો પ્રેમ ગાઢ બન્યો. આ વરસે એપ્રિલમાં લગ્ન કર્યાં અને એના ત્રણ મહિનામાં જ બંને કલાકારોએ તેમના ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે.
આલિયાની પોસ્ટ બાદ અભિનેત્રીના ચાહકોની સાથે બૉલિવુડની હસ્તીઓ પ્રિયંકા ચોપરા, રાશી ખન્ના, મૌના રૉય, નણંદ રિદ્ધિમા અને માતા સોની રાઝદાને વધામણાં આપ્યાં હતાં.
આલિયાની આગામી ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર આ વરસે 9 સપ્ટેમ્બર, 2022ના રિલીઝ થઈ રહી છે. ઉપરાંત રાજા ઔર રાની કી પ્રેમ કહાની, હાર્ટ ઑફ સ્ટૉન અને ડાર્લિંગ્સ સામેલ છે.