રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સની પહેલી ફિલ્મ સિંઘમમાં અજય દેવગણ બાજીરાવ સિંઘમની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સિંઘમની એન્ટ્રી સુપરહિટ રહી અને ફિલ્મે સો કરોડથી વધુનો ધંધો કર્યો. ત્યાર બાદ રોહિત શેટ્ટીએ એની સિક્વલ સિંઘમ રિટર્ન્સ 2014માં બનાવી. આ ફિલ્મે પણ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી.
હવે મળતા હેવાલ મુજબ રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સની આગામી ફિલ્મ સિંઘમ-3 ની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ આવતા વરસે સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે. જાણવા મળ્યા મુજબ ફિલ્મમાં દીપિકા પદુકોણની પણ એન્ટ્રી થઈ છે. રોહિત શેટ્ટીએ સર્કસની એક ઇવેન્ટમાં અનાઉન્સ કર્યું હતું કે દીપિકા લેડી સિંઘમ બનશે અને એ પોલીસના યુનિફોર્મમાં 1કશન કરતી નજરે પડશે. ફિલ્મનું શૂટિંગ આ વરસે ઓગસ્ટ મહિનામાં શરૂ થશે.
પહેલા એવું મનાઈ રહ્યું હતું કે સિંઘમ-3 2024માં દિવાળીએ રિલીઝ થશે, પણ હવે દિવાળી પહેલા 15 ઓગસ્ટના રિલીઝ થશે. હવે અજય દેવગણની સિંઘમ-3 સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થઈ રહી હોવાથી દિવાળીમાં રિલીઝ થઈ રહેલી કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા-3 સાથેનો ક્લેશ ટળી ગયો છે.
15 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય ગણતરીપૂર્વક લેવામાં આવ્યો છે. 15 ઓગસ્ટ, 2024ના ગુરુવાર છે અને એ દિવસે જાહેર રજા હોવાથી સિંઘમ-3નો પહેલો વીકઍન્ડ ચાર દિવસનો થશે. એટલે પહેલા ચાર દિવસ અજય દેવગણની ફિલ્મને કમાવાનો સારો અવસર મળશે. તો 19 ઓગસ્ટે રક્ષાબંધન હોવાથી અનેક ઑફિસોમાં રજા હોવાથી એનો લાભ પણ રોહિત શેટ્ટીની સિંઘમ-3ને મળી શકે છે.