તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલ દ્વારા થઈ રહેલા સ્ટિંગ ઑપરેશનના પ્લાન પર પાણી ફરી વળ્યું. એ તો જગજાહેર છે કે કોવિડના ઉપચાર માટેની દવાઓ અને અન્ય વસ્તુઓની થઈ રહેલી કાળાબજારી કરનારાઓનો ભંડાફોડ કરવા માટે પત્રકાર પોપટલાલે સ્ટિંગ ઓપરેશન શરૂ કર્યું અને એ માટે ડૉ. હાથીની સહાય લીધી. તેઓ સ્ટિંગ ઓપરેશન માટે વેશ બદલો કરતા અને જ્યાં કાળાબજારી થતી ત્યાં પહોંચી જતા. જોકે અજાણતા જ કાળાબજારિયાઓને ડૉ. હાથીની અસલિયત વિશે જાણ થાય છે અને તેઓ હાથીનું અપહરણ કરી જાય છે.
પોપટલાલ બેવડી મુસીબતમાં મુકાય છે. એક બાજુ કાળાબજાર કરનારાઓનો પર્દાફાશ કરવાનો છે તો બીજી બાજુ ડૉ. હાથીને છોડાવવાના છે. અસહાય બનેલા પોપટલાલને ગોકુળધામ સોસાયટીની યાદ આવે છે. પોપટલાલને ખાત્રી છે કે તેમની સોસાયટીના લોકો મદદ કરવામાં પાછી પાની નહીં કરે. એ તુરંત જેઠાલાલને ફોન કરે છે અને બહાનુ બતાવી રિસોર્ટ પર બોલાવે છે. જેઠાલાલ પણ પોપટલાલની વાતો માની રિસોર્ટ પર પહોંચી જાય છે. જેઠાલાલ રિસોર્ટ પર આવતા પોપટલાલને રાહત થાય છે અને ફરી જોમમાં આવી સ્ટિંગ ઓપરેશન શરૂ કરી દે છે.
જેઠાલાલ અને પોપટલાલ નવેસરથી સ્ટિંગ ઓપરેશન શરૂ કરે છે અને કેવી રીતે દવાઓના કાળા બજાર કરનારાઓને પકડાવે છે અને અપહરણ કરાયેલા ડૉ. હાથીને કેવી રીતે છોડાવે છે એ જોવું ઘણું રસપ્રદ બનશે.
કોવિડ મહામારીને કારણે મહારાષ્ટ્રમાં બધા શૂટિંગ બંધ કરાયા હોવાથી ઘણા નિર્માતાઓએ તેમના શૂટિંગ મહારાષ્ટ્રની બહાર શરૂ કર્યા. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ દમણના એક રિસોર્ટમાં થઈ રહ્યું છે. જોકે કોરોનાને કારણે અહીં સિરિયલના બધા જ કલાકારો શૂટિંગ માટે આવ્યા નથી. તો ટેક્નિકલ સ્ટાફ પણ જરૂર પૂરતો જ લવાયો છે. સ્ટિંગ ઓપરેશન માટે આવેલા પોપટલાલ, ડૉ. હાથી, જેઠાલાલની સાથે કાળાબજાર કરનારો વિલન એમ ચાર કલાકાર અને ટેક્નિકલ ટીમ દમણ આવી છે.
સિરિયલમાં કાળાબજાર કરનાર વિલનની ભૂમિકા ગુજરાતી-હિન્દી ફિલ્મ-ટીવી-વેબ સિરીઝ-નાટકના જાણીતા કલાકાર મુનિ ઝા ભજવી રહ્યા છે. આવા ધુરંધર કલાકાર સાથે જેઠાલાલ (દિલીપ જોશી), પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) અને ડૉ. હાથી (નિર્મલ સોની)ની અભિનયની જુગલબંદી જોવાનો લ્હાવો દર્શકોને મળશે.