તાજેતરમાં છત્તીસગઢના મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર સહદેવને મળી અભિનંદન આપ્યા હતા. બચપન કા પ્યાર ગીત ગાઈ સહદેવ રાતોરાત ફૅમસ બની ગયો. એટલું જ નહીં, બચપન કા પ્યાર પર અનેક જણ પોતાની રીતે વિડિયો બનાવી અપલૉડ કરી રહ્યા છે.
હકીકતમાં સહદેવના શિક્ષકે એને ગીત ગાવા કહ્યું. એણે ગીત ગાવાનું શરૂ કર્યુ તો ટીચરે એનો વિડિયો બનાવ્યો અને એ સોશિયલ મીડિયા પર અપલૉડ કર્યો. આ વિડિયો 2021માં વાયરલ થયો અને ધૂમ મચાવી દીધી. અને એ પણ એવી કે સ્ટાર-સેલિબ્રિટીઝ પણ આ ગીતનો વિડિયો બનાવી રહ્યા છે. સહદેવનો આ વિડિયો એટલો ચર્ચામાં આવ્યો કે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ સહદેવને મળવા ગયા અને એનું ગીત સાંભળ્યું.
પરંતુ હકીકત એ છે કે બચપન કા પ્યારના અસલી ગાયક છે ગુજરાતના લોકગાયક કમલેશ બારોટ. કમલેશે ગાયેલું ગીત પી.પી. બારિયાએ લખ્યું છે અને એનું સંગીત મયૂર નાડિયાનું છે. તમને નવાઈ લાગશે કે આ ગીત એપ્રિલ 2019માં રિલીઝ થયું હતું અને અત્યાર સુધીમાં એને પાંટ મિલિયન વ્યુઝ મળી ચુક્યા છે.