સંગીતના રિયાલિટી શો ઇન્ડિયન આયડલ-12ના જજ અનુ મલિક અને વિવાદ જાણે સિક્કાની બે બાજુ હોય એવું લાગે છે. તલવારની ધાર જેવી જીભને કારણે અનેકવાર વિવાદમાં ફસાયેલો અનુ મલિક થોડા સમય પહેલાં મી ટુને કારણે એવો ફસાયો કે શો અધવચ્ચે છોડીને ઘરે બેસવું પડ્યું. પણ આ વખતે એ ઇઝરાયલના રાષ્ટ્રગીતને કારણે નેટકરીઓની આંખે ચડ્યો છે.
વાત જાણે એમ છે કે રવિવારે જપાનના ટોક્યો ખાતે રમાઈ રહેલી ઓલિમ્પિક્સમાં ઇઝરાયલના જિમ્નેસ્ટ ડોલ્ગોપયાતે ગૉલ્ડ મેડલ જીત્યા બાદ એના દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. બસ, રાષ્ટ્રગીત સાંભળ્યા બાદ નેટકરીઓએ અનુ મલિકને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી.
ઇઝરાયલનું રાષ્ટ્રગીત સાંભળી દર્શકોને અજય દેવગણ અભિનીત ફિલ્મ દિલજલેનું ગીત મેરા મુલ્ક મેરા દેશ યાદ આવી ગયું. એ સાથે અનુ મલિકને ટ્રોલ કરવાની શરૂઆત થઈ. એક નેટકરીએ કહ્યું, ઇઝરાયલના રાષ્ટ્રગીત અને દિલજલેના મેરા મુલ્ક મેરા દેશ ગીતમાં સામ્ય વર્તાય છે. અનુ મલિકે આ ગીતનું સંગીત આપ્યુ હોવાથી મને સો ટકા ખાતરી છે કે એણે સંગીતની કોપી કરી હશે. તો અન્ય નેટકરીએ લખ્યું, અનુ મલિકે ઇઝરાયલનાં રાષ્ટ્રગીતની કોપી કરી એવું કોણે કહ્યું? મને તો લાગે છેકે ઓલિમ્પિકમાં મેરા મુલ્ક મેરા દેશ ગીત અનુ મલિકના સન્માન માટે વગાડવામાં આવ્યું હશે. જ્યારે ત્રીજા નેટકરીએ લખ્યું, તમે ઇઝરાયલના રાષ્ટ્રગીતને પણ છોડ્યું નહીં! એની પણ કોપી કરી? ચોરી કરવામાં પણ એક મર્યાદા હોય છે. તો એક નેટકરીએ લખ્યું, સંગીત ચોરવા માટે ઓલિમ્પિકમાં કોઈ રમત હોય તો અનુ મલિકને નક્કી ગૉલ્ડ મેડલ મળ્યો હોત.