શેમારૂ-મી પર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની લેટેસ્ટ કૉમેડી એન્ટરટેઈનિંગ ફિલ્મ રિલીઝ થઈ છે. થિયેટર્સમાં દર્શકોને ખડખડાટ હસાવનાર ફિલ્મ ‘સોનું તને માર ભરોસો નઈ કે’ને હવે શેમારૂમી ડિજિટલ પ્લેટફોર્મ પર માણી શકાશે.
23 જૂનથી સુપરહિટ કૉમેડી ફિલ્મ ‘સોનું તને માર ભરોસો નઈ કે’ને દર્શકો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા ઓટીટી પ્લેટફોર્મ શેમારૂ-મી પર માણી શકાશે. ફિલ્મમાં એક એ પરિવારની વાત છે, જેમના ઘરનું જૂનું-પુરાણું ટીવી બગડી ગયું છે. એટલે ઘરનો સુપુત્ર ચોરબજારથી નવું સ્માર્ટ ટીવી ખરીદવાની ગોઠવણ કરે છે. પરંતુ આ ટીવી ઘરે આવીને ચાલું જ નથી થતું. કારણ કે ટીવીમાં પૅનલ-સ્પીકર સહિતની મશીનરીને બદલે એમાં સોનુ ભરેલું હતું. પરિવાર આ સોનાનું શું કરે છે? શું મલ્હારનો પરિવાર આંગણે આવેલી લક્ષ્મીને વધાવશે કે પછી પોલીસને સોંપશે? મલ્હારના ઘરમાં બંદૂક સાથે ઘૂસી આવેલો ગુંડો સોનુ લઈ જશે કે પછી મલ્હાર આ સોનુ લઈને ઘર છોડીને ભાગી જશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મ અંગે મલ્હાર ઠાકરે કહે છે કે, ’દર્શકોને મનોરંજન જોઈએ છે. શેમારૂ-મીએ હંમેશા ગુજરાતી દર્શકોને તેમનું ગમતું કન્ટેન્ટ આપ્યું છે. આ ફિલ્મ પણ કંઈક એવી જ છે, કે થોડા સમય માટે તમે ખડખડાટ હસવું હોય, મજા કરવી હોય, અને પરિવાર સાથે ધમાલ કરવી હોય, તો આ ફિલ્મ જોવી જોઇએ.’ તો ગુજરાતીઓને વર્ષોથી હસાવતા આવેલા રાગી જાની પણ હાસ્યના ડૉઝની ગેરેન્ટી આપી રહ્યા છે. રાગી જાની કહે છે કે, ’ફિલ્મ બનાવતી વખતે અમને જેટલી મજા પડી છે, એટલી જ મજા દર્શકોને પડવાની છે. થિયેટરમાં તો હાસ્યના પડઘા સંભળાયા જ છે, હવે દર્શકોના ઘર પણ હાસ્યથી ગૂંજી ઉઠશે.’
હેનિલ ગાંધી દિગ્દર્શિત ફિલ્મમાં મલ્હાર ઠાકર ઉપરાંત જાણીતા કલાકારો રાગી જાની, કલ્પના ગાગડેકર, જયેશ મોરે ઉપરાંત નિજલ મોદી જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મનું ટાઈટલ સોંગ જાણીતા પંજાબી સિંગર દલેર મહેંદીએ ગાયું છે. થિયેટરમાં આ ફિલ્મ હિટ સાબિત થયા બાદ હવે આપ સૌ ઘરે બેઠા 23 જૂનથી ફિલ્મને શેમારૂ-મી પર માણી શક્શો.