હંસલ મહેતાની સ્કૅમ 1992ની સફળતા બાદ પ્રતિક ગાંધી સફળતાના સાતમાં આસમાનમાં વિહરી રહ્યો છે. સુરતમાં જન્મેલા અભિનેતાએ એની અભિનય પ્રતિભાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ પ્રતિભાશાળી અભિનેતાએ તાજેતરમાં અનોખી રીતે દશેરાની ઉજવણી કરી હતી. પ્રતિકે દશેરાના શુભ અવસરે એની પ્રિય મર્સિડીઝ-બેન્ઝ ખરીદી.
પ્રતિકે મર્સિડીઝ-બેન્ઝના લેટેસ્ટ મૉડેલ જીએલએસ એસયુવી પર પસંદગી ઉતારી હતી. આ કારને એસયુવીના એસ-ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીએલએસ સમગ્રતયા લૉડ કરાયેલી આવૃત્તિ – જીએલએસ 400 ડી 4મેટિક –માં ઉપલબ્ધ છે, જેની કિંમત 1.16 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ ભારત) જેટલી છે. અભિનેતાએ દશેરાએ મુંબઈના શોરૂમમાંથી એની પ્રિય કારની ડિલિવરી લીધી એના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પ્રતિક ગાંધીએ ખરીદેલી સફેદ રંગની મર્સિડીઝ-બેન્ઝ સેવન સીટર છે અને 6.3 સેકન્ડમાં 0-100 કિમીની સ્પીડ પકડે છે અને એ મહત્તમ સ્પીડ 238 કિમી પ્રતિ કલાક છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રતિક ગાંધી કહાની રબરબેન્ડ કી, દેઢ બીઘા જમીન અને વો લડકી હૈ કહાં સહિત અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.