બૉલિવુડના જાણીતા સર્જક હંસલ મહેતાના પિતા સુબોધ મહેતાનું અવસાન થયું છે. હંસલ મહેતાએ પિતા સાથેનો જૂનો ફોટો શેર કરવાની સાથે આ દુખદ સમાચાર આપ્યા હતા. એ સાથે તેમણે એક ઇમોશનલ નોટ પણ લખી છે જેમાં તેમને દુનિયાના મોસ્ટ હેન્ડસમ મેન ગણાવ્યા હતા.
હંસલ મહેતાએ વધુમાં લખ્યું હતું કે હું હંમેશ વિચારતો કે તેઓ મારા કરતા વધુ જીવશે. પણ, હું ખોટો હતો. પાપા, દુનિયાની સૌથી હેન્ડસમ વ્યક્તિ. સૌથી કોમળ અને ઉદાર વ્યક્તિ. આપના પ્રેમ માટે ધન્યવાદ પાપા. આભાર મારા લેજન્ડ, મારા હીરો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હંસલ મહેતાનો પૂરો પરિવાર કોરોના વાઇરસની ચપેટમાં આવ્યો હતો. આ વાતની જાણકારી ખુદ હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર આપી હતી. જોકે તેમના પિતાનું મૃત્યુ ક્યા કારણોસર થયું એની જાણકારી આપી નથી.
હંસલ મહેતાના પિતાના અવસાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. જેમાં મનોજ બાજપેયી, ફરહાન અખ્તર, પૂજા ભટ્ટ, નિખિલ અડવાણી, રીમા કાગતી, અહાના કુમરા, અતુલ કસબેકર, વિશાલ દદલાની સહિત અનેક સેલેબ્સે શ્રદ્ધાંજલિ અર્પી હતી.