કોરોનાની બીજી લહેરને પગલે દેશના લગભગ તમામ રાજ્યોએ લૉકડાઉનની જાહેરાત કરી છે. થિયેટરો પણ બંધ હોવાથી એક પણ ફિલ્મ રિલીઝ થઈ શકતી નથી. આને પગલે ઘણી ફિલ્મોની રિલીઝ લંબાઈ છે કાં નિર્માતા ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. ફિલ્મોની રિલીઝ લંબાતી જતી હોવાથી બૉલિવુડના ઘણા સ્ટાર્સ હવે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ લૉકડાઉન દરમિયાન મનોરંજનનું સૌથી હાથવગું સાધન બની રહ્યું છે. આ મહિને પણ અનેક ફિલ્મો, વેબ શોઝ અને વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવી અમુક સિરીઝ પણ જૂન મહિનામાં રિલીઝ થઈ રહી છે. જૂન મહિનામાં ઓટીટી ગજવનાર સિરીઝ-ફિલ્મ પર એક નજર કરીએ.
ધ ફૅમિલી મેન-2
મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફૅમિલી મેન-2 ચાર જૂનથી અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ રહી છે. ધ ફૅમિલી મેનનો હીરો શ્રીકાંત તિવારી (મનોજ બાજપેયી) એક જાસૂસ છે પણ ઘરનાઓને જાણ નથી હોતી કે એ શું કરી રહ્યો છે. આ સિરીઝથી સમાંથા અક્કિનેની ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. સિરીઝમાં મનોજ બાજપેયી અને સમાંથા અક્કિનેની ઉપરાંત શારિબ હાશમી, નીરજ માધવ, પમન ચોપરા, ગુલ પનાગ અને શ્રેયા ધન્વંતરી મુખ્ય ભૂમિકામાં છે.
વિદ્યા બાલનની શેરની
ગયા વરસની જેમ આ વરસે પણ વિદ્યા બાલન ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકો કરવા આવી રહી છે. એની ફિલ્મ શેરની ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. ન્યૂટન ફૅમ દિગ્દર્શક અમિત મસુરકરની વિદ્યા બાલન અભિનીત ફિલ્મ શેરની પણ આ મહિને અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ રહી છે. ગયા વરસે વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવી અમેઝોન પ્રાઇમ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાં બીજા ક્રમાંક પર રહી હતી. ફિલ્મમાં વિદ્યા બાલન એક ફોરેસ્ટ ઑફિસરની ભૂમિકા ભજવી રહી છે.
માધુરી દીક્ષિતની ફાઇન્ડિંગ અનામિકા
ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ફાઇન્ડિંગ અનામિકાથી ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ વેબ સિરીઝમાં એક ગ્લોબલ સુપરસ્ટાર ગાયબ થઈ જાય છે. આ એક ઍક્શન થ્રિલર વેબ સિરીઝ છે જે જૂન મહિનામાં રિલીઝ થાય એવી પૂરી શક્યતા છે.
ચાર કથાનક ધરાવતી ફિલ્મ રે
ગયા શુક્રવારે નેટફ્લિક્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ હતું. ટીઝરમાં ફિલ્મની તમામ વાર્તાઓની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં મનોજ બાજપેયી, કે.કે. મેનન, અલી ફઝલ અને હર્ષવર્ધન કપૂર ચાર અલગ અલગ વાર્તાઓનું પ્રતિનિધિત્વ કરશે. મનોજ બાજપેયીની વાર્તાનું શીર્ષક છે હંગામા હૈ ક્યોં બરપા, તો કે.કે. મેનનની વાર્તાનું શીર્ષક છે બહુરૂપિયા, અલી ફઝલની વાર્તાનું નામ છે ફરગેટ મી નૉટ. જ્યારે હર્ષવર્ધનની વાર્તાનું નામ છે સ્પૉટલાઇટ. ફિલ્મ 25 જૂને નૉફ્લિક્સ પર સ્ટ્રીમ કરાશે.
ઉત્તર ભારતીય યુવતીની વાત છે સ્કેટર ગર્લ
ઉત્તર ભારતના એક ગામમાં રહેતી છોકરીને સ્કેટિંગનો ભારે શોખ હોવાથી લાકડાના પાટિયાને નાના પૈડાં જોડી સ્કેટિંગનો આનંદ માણતી હોય છે. એક દિવસ ગામમાં ફોરેનર આવે છે અને એની મુલાકાત ગામડાની આ છોકરી સાથે થાય છે. સ્કેટિંગ પ્રત્યેની એની લગની જોઈ વિદેશી મહિલા ગામના બાળકોને મદદ કરવાનું નક્કી કરે છે. ફિલ્મ 11 જૂને નેટફ્લિકાસ પર રિલીઝ થશે.