શેર બજારમાં થયેલા ગોટાળા પર આધારિત સોની લિવની વેબ સિરીઝ સ્કૅમ ૧૯૯૨ રિલીઝ થતાં વેંત પ્રતીક ગાંધીનું નામ ચર્ચામાં આવ્યું. હવે પ્રતીક ગાંધી ઓટીટી પ્લેટફોર્મ ઓહો પર ૭ મેના રિલીઝ થનારી ગુજરાતી વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં ટાઇટલ રોલ ભજવતો જોવા મળશે. તાજેતરમાં રિલીઝ કરાયેલા સિરીઝના ટ્રેલર જોઈ એવું લાગી રહ્યું છે કે પ્રતીક એક જુગારીની ભૂમિકા ભજવી રહ્યો છે.
અભિષેક જૈનનું નામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અજાણ્યું નથી. બે યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી ધમધમતી કરનાર અભિષેક જૈન દ્વારા નિર્મિત ફિલ્મ રોંગ સાઇડ રાજુને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવૉર્ડ મળ્યો છે. હવે અભિષેક જૈન ગુજરાતી ભાષામાં બનતી વેબ સિરીઝને યોગ્ય પ્લેટફોર્મ મળે એ માટે ઓહો નામનું ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. અભિષેક જૈને જણાવ્યું કે ‘ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે’ની પરિકલ્પનાને ધ્યાનમાં રાખી આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.
ઓહો નામ રાખવાનું કોઈ ખાસ કારણના જવાબમાં અભિષેકે જણાવ્યું કે, અમે લોકો પાસે નામ અંગેના સૂચનો મગાવ્યા હતા. અમને સો જેટલા નામો મળ્યા જેમાંથી ત્રણ નામ અમે અલગ તારવ્યા. એમાંથી ક્યા નામને ફાઇનલ કરવું એ માટે ઑનલાઇન મત માગ્યા બાદ ઓટીટી પ્લેટફોર્મ માટે ‘ઓહો’ નામ નક્કી કરાયું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવું નામ મેળવ્યા બાદ ઓટીટી પ્લેટફોર્મ તરફ વળવાનું કોઈ ખાસ કારણ?ના જવાબમાં અભિષેક કહે છે કે,૨૦૧૧માં મેં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી કરિયરની શરૂઆત કરી. આજે જે સ્થાને પહોંચ્યો છું એ માટે હું દર્શકોનો ખાસ આભાર માનીશ. તેમના સકારાત્મક અભિગમ અને ભાષા પ્રત્યેના પ્રેમને કારણે આ શક્ય બન્યું. આને કારણે વૈવિધ્યસબર વિષયો ધરાવતી ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું. એક દાયકા બાદ આજે, અમને એવું લાગે છે કે ગુજરાતના દરેક વિસ્તારની વાર્તા, પ્રતિભાઓને અવસર મળવો જોઇએ. અને આ વિચારમાંથી ઓહોનું સર્જન થયું. અમે ગર્વથી એને ‘ગામડાથી લઈ ગ્લોબલ સુધીની ગુજરાતી વાર્તાઓ’ કહીએ છીએ.
આેહો પર ૭ મેના રિલીઝ થઈ રહેલી વેબ સિરીઝનું નામ છે વિઠ્ઠલ તીડી. અભિષેક જૈન દિગ્દર્શિત અને ભાર્ગવ પુરોહિત લિખિત સિરીઝમાં પ્રતીક ગાંધી વિઠ્ઠલની ભૂમિકા ભજવી રહ્યો છે. ગામડામાં પૈસા માટે પત્તા રમતો વિઠ્ઠલ મોટા શહેરમાં જઈ નામાંકિત જુગારી બને છે.
વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં પ્રતિક ગાંધી ઉપરાંત રાગી જાની, પ્રશાંત બારોટ, બ્રિન્દા ત્રિવેદી, જગજીતસિંહ વાઢેર તથા ખાસ ભૂમિકામાં શ્રદ્ધા ડાંગર જોવા મળશે.