એક સાહસિક મરાઠી યુવકની આપવીતી
સંઘર્ષ વગર સફળતા મળતી નથી આ વાત સર્વવિદિત હોવા છતાં ટોચ પર પહોંચવા ટૂંકો માર્ગ અપનાવનારા ઘણા હોય છે. જોકે સંઘર્ષ વગર સફળતા મેળવવા માગનારા નિષ્ફળતાની ખાઈમાં ધકેલાઈ જાય હોય છે. આ વાત મરાઠી ફિલ્મ ‘મરાઠી પાઉલ પડતે પુઢે’માં મનોરંજક શૈલીમાં દર્શાવવામાં આવી છે.
ઉદ્યોગપતિ પ્રકાશ બાવિષ્કર દ્વારા નિર્મિત અને સ્વપ્નિલ મયેકર લિખિત દિગ્દર્શિત ફિલ્મના મ્યુઝિક લોન્ચની પાર્ટી આજે દાદર ખાતે યોજાઇ હતી. દેશના વિખ્યાત એડવોકેટ પદ્મશ્રી ઉજ્જવલ નિકમ અને શિરડી સાઈ મંદિરના અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર બિલ્ડર એસોસિયેશન ના અધ્યક્ષ સુરેશ હાવરેના હસ્તે મ્યુઝિક લૉન્ચ કરવામાં આવ્યું હતું.
ફિલ્મમાં સ્ટાર્ટ અપ શરૂ કરતા એક મરાઠી યુવકની આપવીતી દર્શાવવામાં આવી છે. મરાઠી માણુસ મોટાભાગે ભણતર પૂરું કર્યા બાદ સારી નોકરી શોધવા લાગે છે. જોકે ફિલ્મનો હીરો પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરે છે પણ સ્થાપિત હિતો અને સરકારી અધિકારીઓની મીલીભગત નવદિત ઉદ્યોગપતિને ત્રાસ આપવામાં કોઈ કસર છોડતા નથી. જોકે પોતાના ધ્યેયને હાંસલ કરવા ફિલ્મનો નાયક કેવી રીતે પોતાની કેડી કંડારે છે એ દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મની મુખ્ય ભૂમિકા હિન્દી ફિલ્મ ૮૩માં કામ કરી ચુકેલા વિખ્યાત ક્રિકેટર સંદીપ પાટીલના દીકરા ચિરાગ પાટીલે ભજવી છે. જ્યારે મુખ્ય અભિનેત્રી છે સિદ્ધિ પાટણ. ઉપરાંત અનંત જોગ, સતીશ પુળેકર, સતીશ સલાગરે, સંજય કુલકર્ણી અને પ્રદીપ કોથમીરે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૫ મે, ૨૦૨૩ના રિલીઝ થઈ રહી છે.