ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા ગામડામાં દહાડિયા તરીકે કામ કરનાર રૂઢિચુસ્ત મુસ્લિમ મજૂરને ત્યાં જન્મેલી ફરમાન નાઝ છઠ્ઠા ધોરણ બાદ ભણતરને અલવિદા કહી ઘરકામમાં જોતરાઈ ગઈ. નાની ઉંમરે લગ્ન થયા અને એક બાળકની માતા પણ બની ગઈ. એક અતિસામાન્ય વ્યક્તિ કહી શકાય એવી ફરમાન આજકાલ ચર્ચામાં છે. અને એનું કારણ છે એની ગાયકી. સોશિયલ મીડિયાએ ઘણાને રાતોરાત લોકપ્રિયતા અપાવી એવા કલાકારોમાંની એક છે ફરમાની નાઝ. એના છાણા થાપતા… રસોઈ કરતા… મજૂરી કરતા ગાયેલાં ગીતોએ યુ ટ્યુબ પર ધૂમ મચાવી છે. હજારો નહીં લાખો વ્યુઅર્સ ધરાવતી ફરમાનીએ હવે હનુમાન કુદકો લગાવ્યો છે.

ફરમાનની ગાયકીની સાથે યુટ્યુબ પરની લોકપ્રિયતા જોઈ મુંબઈસ્થિત નિર્માતા-દિગ્દર્શક-ગીતકાર-લેખક રાજ હિન્દસને ફરમાનનો સંપર્ક કર્યો. ફરમાની ગીત ગાવા તૈયાર થઈ એટલે રાજે એને સંગીતની તાલીમ મળી રહે એ માટે હાર્મોનિયમ લઈ આપ્યું અને કેવી રીતે રિયાઝ કરવો એની પણ પ્રાથમિક તાલીમ આપી.

રાજે ફરમાની માટે ખાસ લખેલાં ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું. પહેલું ગીત કુમાર શાનુ સાથે ગાવાનું સપનું જોતી ફરમાનીની મહેચ્છા શનિવારે પૂરી થઈ. રાજ હિન્દસનના કેર નેશનલ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ નિર્મિત સિંગલને આ મહિનાના અંતમાં રિલીઝ કરવાની તડામાર તૈયારી થઈ રહી છે. ૧૪ વરસ અગાઉ મનોરંજન જગતમાં કરિયર બનાવવા આવેલા રાજે અગાઉ સુદેશ ભોસલેના સ્વરમાં હોળી ગીત બનાવ્યું હતું. રેકોર્ડિંગ પ્રસંગે રાજે ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે તેઓ નવા પણ પ્રતિભાશાળી ગાયકોને મોકો આપવા માગે છે. રાજ નવું આલબમ પણ ફરમાની નાઝ સાથે બનાવશે જે સૂફી  ગીત પર આધારિત હશે.

ફરમાની નાઝની મુલાકાત અને ગીતો સાંભળવા ક્લિક કરો

https://youtu.be/qnwQLVbz7N0

ફરમાની નાઝ અને કુમાર શાનુનાં ગીતના શબ્દો છે હાલ એ દિલ મૈં કિસ કો સુનાઉં… હાલ એ દિલ મૈં કૈસે છુપાઉં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here