રાજ કપૂરની 1985માં આવેલી રામ તેરી ગંગા મૈલી ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર ગ્લેમરસ અભિનેત્રી મંદાકિની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રામ રામ કર્યા બાદ હવે 26 વરસે ફરી એક આલ્બમથી કમબેક કરી રહી છે. મંદાકિનીએ જણાવ્યું કે કમબેકથી એ ઘણી ખુશ છે અને આ નિર્ણય એણે એના દીકરા રાબિલ ઠાકુર માટે લીધો છે. મંદાકિની સાજન અગ્રવાલના મ્યુઝિક વિડિયો ‘મા ઓ મા’માં જોવા મળશે. ગીતમાં એક માની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. આલ્બમમાં મંદાકિની એના દીકરા રાબિલ સાથે જોવા મળશે. ગીતનું શૂટિંગ આ મહિનામાં શરૂ થશે.
મંદાકિની મૂળ મીરતથી મુંબઈ આવી હતી. હકીકતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિખ્યાત ફોટોગ્રાફર જે.પી. સિંઘલ એને રાજ કપૂર પાસે લઈ ગયા હતા અને રામ તેરી ગંગા મૈલી માટે એને કાસ્ટ કરવામાં આવી. હકીકતમાં મંદાકિનીનું મૂળ નામ યાસ્મીન જૉસેફ હતું પણ રાજ કપૂરે એનું ફિલ્મી નામ મંદાકિની રાખ્યું.
મંદાકિનીએ રામ તેરી ગંગા મૈલી બાદ ડાન્સ ડાન્સ, લડાઈ, કહાં હૈ કાનૂન જેવી અનેક ફિલ્મો કરી હતી. એની છેલ્લી ફિલ્મ હતી 1996માં આવેલી જોરદાર. એમાં એના સહ-કલાકારો હતા ગોવિંદા, આદિત્ય પંચોલી અને નીલમ કોઠારી.
અત્રે ઉલ્લેખનીય છેકે રામ તેરી ગંગા મૈલીમાં પાતળી સાડી પહેરી ધોધમાં ભીંજાતી મંદાકિનીએ ત્યારે ઉહાપોહ મચાવી દીધો હતો. એ જમાનામાં આવા સીન આપવો કોઈ પણ અભિનેત્રી માટે મોટી વાત હતા. જોકે નેવુંના દાયકામાં અભિનેત્રીનું નામ કુખ્યાત ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે સંકળાતા એની ફિલ્મી કરિયર ડગમગવા લાગી. 1994માં દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં દાઉદ સાથેનો એક એક ફોટો વાયરલ થયો ત્યારે સનસની ફેલાઈ ગઈ. ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થવા લાગી કે મંદાકિનીનું દાઉદ સાથે અફેર ચાલી રહ્યું છે.
મંદાકિની આલ્બમ ઉપરાંત એક શોર્ટ ફિલ્મ પણ કરી રહી છે જેનું દિગ્દર્શન પણ સાજન આગ્રવાલ કરી રહ્યા છે. શોર્ટ ફિલ્મમાં મંદાકિની ઉપરાંત ઝાકિર હુસેન પણ છે. મજાની વાત એ છે કે મંદાકિની, ઝાકિર હુસેન અને દિગ્દર્શક સાજન અગ્રવાલ ત્રણેય મીરતના છે.