રાત્રે બાર વાગ્યે 18 જાન્યુઆરી 1979નો દિન પૂરો થયા બાદ શરૂ થયેલી 19મી તારીખ ગુજરાતી નાટ્ય જગત માટે વજ્રાઘાત સમી પુરવાર થઈ. માણસ નામે કારાગાર, મિનપ્યાસી તિલોત્તમા, કુમારની અગાશી, મોગરાના સાપ, સંતુ રંગીલી, ચંદરવો, સાહ્યબો ગુલાબનો છોડ, ખેલંદો, મોસમ છલકે અને કોઇનો લાડકવાયો જેવા અજરામર નાટકો આપનાર રંગભૂમિના અભિમન્યુ (વેણીભાઈ પુરોહિતે આપેલું ઉપનામ) પ્રવીણ જોશીનું તેમના ઘરની બાલ્કની તૂટતા આકસ્મિક નિધન થયું.

લંડનની રૉયલ ઍકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ ખાતે નાટકોના પાઠ ભણેલા પ્રવીણ જોશીએ 1950માં ભારતીય વિદ્યા ભવન-મુંબઈ દ્વારા આયોજિત એકાંકી સ્પર્ધાથી દર્શકોની સાથે નાટ્યજગતનું ધ્યાન ખેંચ્યું. 1963માં પ્રવીણ જોશી ઇન્ડિયન નેશનલ થિયેટર (આઇએનટી)માં જોડાયા અને દામુ ઝવેરી પાસે નાટ્યજગતના વ્યવહારૂ પાઠ શીખ્યા. પ્રવીણ જોશીએ આઇએનટી બેનર હેઠળ પચીસેક નાટકો બનાવવાની સાથે ગુજરાતી થિયેટરમાં અભિજાત્યપણું લઈને આવ્યા.

પ્રવીણ જોશીએ વિદેશી નાટ્યકૃતિઓ પર આધારિત સફળ ગુજરાતી નાટકો પણ આપ્યા હતા. તેમના દ્વારા દિગ્દર્શિત-અભિનીત નાટકોમાં મોગરાના સાપ (ફ્રેડરિક લોટના ડાયલ એમ ફોર મર્ડર પર આધારિત), મંજુ મંજુ (જીન કેરનું મેરી મેરી), ચંદરવો (આલ્બર્ટ માર્ટ્ઝ અને જ્યોર્જ સ્ક્લરનું મૅરી-ગો-રાઉન્ડ), સંતુ રંગીલી (જ્યોર્જ બર્નાર્ડ શોનું પિગ્મેલિયન), મોસમ છલકે (બર્નાર્ડ સ્લેડ્સનું સેમ ટાઇમ, નેક્સ્ટ યર), શરત (ફ્રિડ્રિચ દુરેન્મેટ્સનું ધ વિઝિટ), ખેલંદો (એન્થની શૅફર્સનું સ્લ્યુથ)નો સમાવેશ થાય છે. ઉપરાંત કુમારની અગાશી, મોતી વેરાણા ચોકમાં, વૈશાખી કોયલ, ચોર બજાર, પ્રેમ શાસ્ત્ર, સાહ્યબો ગુલાબનો છોડ, સળગ્યા સૂરજમુખી જેવા સફળ નાટકો પણ આપ્યાં હતાં. આમાંના મોટાભાગનાં નાટકોમાં તેમણે સરિતા જોશી સાથે કર્યાં હતાં.

પ્રવીણ જોશી માટે ગુજરાતીના જાણીતા કવિ સુરેશ દલાલ ગુજરાતી રંગભૂમિના પંચેનદરિય (પાંચ અક્ષરનું નામ – પ્રવીણ જોશી) કહેતા. તો તેમના અવાજને વ્હિસ્કી વૉઇસ જેવો શબ્દ પ્રયોગ કરતા. તો જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષી કહેતા કે પ્રવીણ જોષી જ્યારે વાહ બોલતા ત્યારે વાહ શબ્દનું વજન એક ટન થઈ જતું. જ્યારે ગુજરાતી ફિલ્મોમાં અનેક સુપહિટ ગીતો આપનાર કવિ વેણીભાઈ પુરોહિત કહેતા કે પ્રવીણ એટલે ગુજરાતી રંગભૂમિનો અભિમન્યુ.

પ્રવીણ જોશીનું ઘરની ગેલેરી તૂટતા અવસાન થયું ત્યારે સૈફ પાલનપુરીએ લખ્યું હતું કે મોરારજી મેન્શનની તો ગેલેરી તૂટી છે, પણ આઇએનટીનો તો મોભ તૂટી પડ્યો છે.

અને ખાસ વાત, પ્રવીણ જોશીના મૃત્યુ બાદ હરિન્દ્ર દવેએ તેમના તંત્ર લેખમાં લખ્યું હતું કે, થોડા દિવસ અગાઉ પ્રવીણ એક મરાઠી પેપર લઈને આવ્યો હતો અને કહે કે, હરિન્દ્ર, આ જો આવી રીતે કોઈ રંગમંચના કલાકારના મોતના સમાચાર પહેલા પાને છપાયને તો સાલી મરવાની પણ મજા આવે. અને હરિન્દ્ર દવેએ લેખ પૂરો કરતા લખે છે… પ્રવીણ છાપાના પહેલા પાને ચમકવા દોસ્, તારે મરવાની જરૂર નહોતી.

સરિતાબહેન જોશીએ તેમની સ્મરણ યાત્રામાં લખ્યું છે કે, પ્રવીણ જોશીની માચિસની દીવાસળીથી સિગરેટ પેટાવવાની સ્ટાઇલ પર પ્રેક્ષકો ફિદા હતા. તેની આઇ લેવલ ગજબની હતી કે બાલકનીમાં બેઠેલા પ્રેક્ષકને પણ લાગતું કે કલાકાર તેમને જુએ છે. ઉપરાંત તેમનું ફૂટ વર્ક ગજબનું હતું.

ગુજરાતી રંગભૂમિના રાજવી પ્રવીણ જોષીને એમની પુણ્યતિથિ નિમિત્તે હ્રદયથી નમન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here