પુરાણકાળમાં ઋષિ મુનિઓ તેમના તપ-આરાધના દ્વારા શક્તિશાળી ન બને એ માટે તપોભંગ કરવા અપ્સરાઓને મોકલી દેવો તેમના તપોભંગ કરવાના પ્રયાસો કરતા. ત્યારે આજે કેલેન્ડરની બોલબાલા છે. લિકર કિંગ વિજય માલ્યાના કેલેન્ડરની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા. જોકે નાણાકીય ગોટાળાને પગલે કાનૂની કાર્યવાહીથી બચવા માલ્યા લંડન ભાગી છૂટતા કેલેન્ડરની દુનિયામાં જાણે શૂન્યાવકાશ સર્જાયો હોય એવું કેલેન્ડર પ્રેમીઓને લાગતું હતું. હવે આ ખાલીપો ભરવા સિદ્ધિ ફિલ્મ્સના સંદીપ ઇંગલે મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં તેમણે એમના બેનર સિદ્ધિ ફિલ્મ્સ બેનર હેઠળ હૉટ એન્ડ ટ્રેન્ડી લેન્સ ક્વીન કેલેન્ડર – 2020 લૉન્ચ કર્યું હતું.




અંધેરીના સન સિટી લાઉન્જ ખાતે આયોજિત રંગારંગ કાર્યક્રમમાં તમામ કેલેન્ડર ગર્લે રેમ્પ વૉક કરવાની સાથે મહેફિલ રંગીન બનાવી દીધી હતી. આ પ્રસંગે સંદીપ ઇંગલેએ જણાવ્યું કે, લેન્સ ક્વીન 2020 દરેક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. મૉડેલ્સથી લઈ એની સ્ટાઇલિંગ, ફોટોગ્રાફી આંતરરાષ્ટ્રીય સ્તરના છે.




કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ખ્યાતનામ સંદીપે કેલેન્ડરમાં નવોદિત મૉડેલ્સને મોકો આપ્યો છે. ઑડિશનના અનેક દોર બાદ બાર મૉડેલને પસંદ કરવામાં આવી હતી. કેલેન્ડર થકી અમે નવી પ્રતિભાને મોકો આપવા માંગીએ છીએ. અમે જેમને મોકો આપ્યો છે એમાંથી એકાદ મૉડેલ પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન જમાવે તો અમારી મહેનત લેખે લાગી ગણાશે. વિવિધ લોકાલ્સ પર શૂટ કરાયેલા કેલેન્ડરની ફોટોગ્રાફી જાણીતા ફોટોગ્રાફર રોહન ગંડોત્રાની છે. તો મૉડેલ્સ છે આકાંક્ષા શારદા, અનાયકા નાયર, દીપા દેવેન્દ્ર, શૈલજા શર્મા, સ્નેહા સિંહ, સિદ્ધિ આહુજા, શિવેતા શ્રીવાસ્તવ, સુજાતા બૌદ્ધ, સુરબીના કાર્કી, વિઓલિના અને જૈનબ.