કૃષ્ણા અભિષેક સ્ક્રીન પર આવે એટલે દર્શકોના ચહેરા હાસ્યથી ખીલી ઉઠે. અને એ જે કોઈ શો કે ફિલ્મમાં હોય એમાં હાસ્ય રસ ન હોય તો જ નવાઈ. 28 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થઈ રહેલી એની આગામી ફિલ્મ ઓ પુષ્પા આઇ હેટ ટિયર્સમાં તો સસ્પેન્સ, થ્રિલર અને કૉમેડી એમ ત્રિવિધ મનોરંજન દર્શકોને માણવા મળશે. કૃષ્ણા અભિષેક, અર્જુમન મુઘલ, અનુસ્મૃતિ સરકાર અને કાર્તિક જયરામને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ એવા બે પ્રેમીઓની વાત છે જેઓ પ્રેમ કરતા પૈસાને વધુ મહત્ત્વ આપે છે.

તાજેતરમાં કૃષ્ણાની આ ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિક લૉન્ચની ધમાકેદાર પાર્ટી અંધેરીના સિન સિટી લાઉન્જ ખાતે આયોજિત કરાઈ હતી. પાર્ટીમાં ફિલ્મના કલાકારો ઉપરાંત દિગ્દર્શક ફરહાદ સામજી, કાશ્મીરા શાહ, દીપશિખા, ભોજપુરીના સ્ટાર પવન સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ફિલ્મની વિશે જણાવતા કૃષ્ણાએ કહ્યું કે, ઓ પુષ્પા આઇ હેટ ટિયર્સ આદિત્ય-પુષ્પા અને શ્યામની આસપાસ ઘૂમે છે. આદિત્ય પુષ્પાના પ્રેમમાં પડે છે, એ એવું માને છે કે આદિત્ય માત્ર એને જ પ્રેમ કરે છે. પણ જ્યારે એને જાણ થાય છે કે આદિત્ય એને નહીં પણ એના પૈસાને પ્રેમ કરે છે ત્યારે એ આઘાત પામે છે. હકીકતમાં આદિત્ય પૈસાને પ્રેમ કરતો હોય છે પુષ્પાને નહીં, એટલે એ શ્યામની મદદ લે છે. પરંતુ શ્યામ ચાલાકીપૂર્વક ચાલ ચાલે છે કે પુષ્પા એના પ્રેમમાં પડે. અને એના થકી પુષ્પાના પૈસા પર પણ કબજો જમાવી શકે. શ્યામ એટલો સ્માર્ટ છે કે આદિત્ય માટે પુષ્પા અને એના પૈસાથી વેગળો કરવો અશક્ય જેવું છે. લાચાર આદિત્યને લાગે છે કે એના હાથમાંથી પુષ્પા અને એના પૈસા સરી જશે. હવે, આદિત્ય શું કરશે?

ફિલ્મ્સ@50એ વેવલેન્થ સ્ટુડિયોઝના સહયોગમાં બનાવેલી ફિલ્મના નિર્માતા છે અમૂલ્ય દાસ અને સુજાતા દાસ. દિનકર કપૂર દિગ્દર્શિત ફિલ્મ ઓ પુષ્પા આઇ હેટ ટિયર્સના સિનેમેટોગ્રાફર છે ગુજરાતના જાણીતા અરવિંદ સિંહ પુવાર. ફિલ્મમાં મુખ્ય કલાકારો ઉપરાંત અનંગ દેસાઈ, પ્રદીપ કાબરા, જિમી મોઝીસ, મીલિસા પાઇસ અને અખિલેન્દ્ર મિશ્રા. ઓ પુષ્પા આઇ હેટ ટિયર્સ 28 ફેબ્રુઆરીએ દેશભરમાં રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here