ગુજરાતી મનોરંજન જગતના ફિલ્મ-ટીવી-નાટકના ત્રિવેણી સંગમ જેવા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ અવોર્ડ-૨૦૧૯નો મહાકુંભ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના જુહૂસ્થિત વી હોટેલ (જૂની તુલિપ સ્ટાર) ખાતે યોજાઈ રહ્યો છે. વરસ દરમ્યાન શ્રેષ્ઠ ફિલ્મ-સિરિયલ-નાટકની સાથે કલાકાર-કસબીઓને બિરદાવતા અવોર્ડ ફંક્શન માટે શનિવારે અમદાવાદ ખાતે નોમિનેશન્સની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીરી પણ મક્કમ ગતિએ શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કરી રહી છે. પરંતુ એક સમય હતો જ્યારે ગુજરાતીમાં માંડ આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો બનતી હતી. એવા સમયે એટલે કે ૧૯ વરસ અગાઉ જસ્મીન શાહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા ટ્રાન્સમીડિયા અવોર્ડની શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મોના અવોર્ડ ફંક્શનની બરોબરી કરે એવું આયોજન, નિર્ણાયકો દ્વારા યોગ્યતાપ્રાપ્ત ફિલ્મ અને કલાકાર-કસબીઓની અવોર્ડ માટેની પસંદગી કારણે ટ્રાન્સમીડિયા અવોર્ડની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉપર જતો રહ્યો છે.

અમદાવાદ ખાતે કલાકાર-કસબીઓની સાથે મીડિયાકર્મીઓ અને ખાસ મહેમાનોની ઉપિસ્થતિમાં યોજાયેલા નોમિનેશન્સની જાહેરાત અંગેના રંગારંગ ફંક્શનમાં જસ્મીન શાહે જણાવ્યું હતું કે, ૨૦૧૯માં ૫૬ ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાંની મોટા ભાગની ફિલ્મો અવોર્ડની સ્પર્ધામાં છે. એ જ રીતે મુંબઈ અને ગુજરાતના નોંધનીય કહી શકાય એવા નાટકો અને સિરિયલ પણ સ્પર્ધામાં છે.

આ વર્ષની ગુજરાતી ફિલ્મોમાં ટિચર ઓફ ધ યર અને મોન્ટુની બિટ્ટુને સૌથી વધુ 12-12 નામાંકનો, જ્યારે ધુનકી અને ચીલઝડપને 10-10 નામાંકનો મળ્યાં છે. આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મના એવોર્ડ માટે હવે ટીચર ઓફ ધ યર, મોન્ટુની બિટ્ટુ, ગુજરાત 11, ચીલઝડપ, ધુનકી અને કાચિંડો નામાંકનોમાં છે.

તો શ્રેષ્ઠ અભિનેતા માટે મૌલિક જગદીશ નાયક (મોન્ટુની બિટ્ટુ), શૌનક વ્યાસ (ટીચર ઓફ ધ યર), કિરણ કુમાર (હવે થશે બાપ રે બાપ), જીમિત ત્રિવેદી (ચીલઝડપ), હિતેનકુમાર (જલસાઘર), ગૌરવ પાસવાલા (ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રતીક ગાંધી (ધુનકી)ને નોમિનેશન્સ મળ્યાં હતાં, તો શ્રેષ્ઠ અભિનેત્રી માટે ડેઝી શાહ (ગુજરાત 11), આરોહી પટેલ (મોન્ટુની બિટ્ટુ), સોનિયા શાહ (ચીલઝડપ), દિક્ષા જોશી (ધુનકી), ઝીનલ બેલાની (ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રીનલ ઓબેરોય (સાજન પ્રીતની જગમાં થશે જીત)ને નોમિનેશન્સ મળ્યાં હતાં.

આ વરસે ફિલ્મ અને ટેલિવિઝન જ્યુરીમાં જાણીતા તજજ્ઞો તુષાર વ્યાસ, કાર્તિકેય ભટ્ટ, શ્રીનિવાસ પાત્રો, ચીકા ખરસાણી અને અતુલ બ્રહ્મભટ્ટે સેવા આપી હતી. જ્યારે ગુજરાતના નાટકો માટે જયશ્રી પરીખ, રાજુ બારોટ, નિસર્ગ ત્રિવેદી અને દીપક અંતાણીએ જ્યુરી તરીકે ફરજ બજાવી હતી. તો મુંબઈના નાટકોની જ્યુરીની જવાબદારી દીપક ઘીવાલા અને અમિત દિવેટિયાએ નિભાવી હતી.

હંમેશની જેમ આ વરસે પણ અવોર્ડ ફંક્શન દરમ્યાન મનોરંજનના અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે. અને આ વરસનું આકર્ષણ છે રાષ્ટ્રીય અવોર્ડ વિજેતા હેલ્લારોની ટીમ દ્વારા થનારૂં ખાસ પર્ફોર્મન્સ. તો ઓજસ રાવલ, હેમાંગ દવે અને રાગી જાનીની ત્રિપૂટી સ્ટેજ પર હાસ્યનું હુલ્લડ મચાવશે.

સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા જસ્મીન શાહ સાથે છેલ્લા ૧૯ વરસથી સતત સહયોગ આપી રહેલા રાજુ સાવલા, દીપક અંતાણી, અભિલાષ ઘોડા, રાજકુમાર જાની, ભૂમિકા શાહ અને જિગ્નેશ ભુતાની ટીમ તનતોડ મહેનત કરી રહી છે. જ્યારે આ જ ટીમના સ્વ. ભરત જોશી-ભજોનું ત્રણ વરસ અગાઉ દુખદ અવસાન થતાં સમગ્ર ટ્રાન્મીડિયા ટીમને તેમને ગુમાવ્યાનું દુખ છે.

તસવીરો : સૌજન્ય ટ્રાન્સમીડિયા