ધુન્ડીરાજ ઉર્ફે દાદાસાહેબ ફાળકે… ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પિતામહની આજે 79મી પુણ્યતિથિ છે. 16 ફેબ્રુઆરી 1944ના 73 વરસની ઉંમરે અંતિમ શ્વાસ લેનારા દાદાસાહેબની 76મી પુણ્યતિથિ નિમિત્તે ફિલ્મી ઍક્શન તેમને આદરાંજલિ આપે છે.

મહારાષ્ટ્રના નાશિકમાં જન્મેલા દાદાસાહેબે મુંબઈની જે.જે. કૉલેજમાં એક વરસનો ડ્રોઇંગનો કોર્સ કર્યા બાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઓઇલપેઇન્ટ અને વૉટર કલર પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. ફિલ્મ નિર્માણમાં જંપલાવ્યું એ અગાઉ તેમણે ફોટોગ્રાફીનો ધંધો શરૂ કર્યો અને એ માટે તેઓ ગોધરામાં પણ રહ્યા. પરંતુ ધંધો જામ્યો નહીં એટલે મુંબઈ આવ્યા. મુંબઈમાં પુત્ર સાથે તેમણે અમેઝિંગ એનિમલ નામની ફિલ્મ જોઈ અને ઘરે જઈ હાલતાચાલતા પ્રાણી જોયાનું કહ્યું. ઘરે આ વાત માનવા કોઈ તૈયાર ન હોવાથી બીજા દિવસે થિયેટર પહોંચ્યા.  જોકે ત્યાં અમેઝિંગ એનિમલને બદલે ઇસ્ટર ફિલ્મ દર્શાવાતી હતી જેમાં જીસસ ક્રાઇસ્ટની જીવની આલેખાઈ હતી. પરિવારને એ ફિલ્મ બતાવી. જોકે ઇસ્ટર જોઈ તેમને થયું કે આપણા દેવી-દેવતાઓ પર ફિલ્મ કેમ ન બનાવી શકાય? અને તેમણે હરિશ્ચંદ્ર તારામતી ફિલ્મ બનાવવાની શરૂઆત કરી.

દાદાસાહેબે જ ફિલ્મની કથા-પટકથા લખી. કલાકારો અને ટેક્નિશિયનોની પસંદગી માટે તેમણે વિવિધ અખબારોમાં જાહેરખબર આપી. તેમને કોઈ મહિલા કલાકાર મળી નહીં એટલે તારામતીની ભૂમિકા માટે અન્ના સાળુંકે નામના પુરૂષ કલાકારની પસંદગી થઈ. જ્યારે હરિશ્ચંદ્ર તરીકે દત્તાત્રય દામોદર દાબકેને પસંદ કરાયા. તો તેમના પુત્ર રોહિતશ્વની ભૂમિકા દાદાસાહેબે તેમના મોટા પુત્ર ભાલચંદ્રને સોંપી. જ્યારે દાદાસાહેબે પટકથા લેખક, દિગ્દર્શન, પ્રોડક્શન ડિઝાઇન, મેકઅપ, એડિટિંગ અને ફિલ્મ પ્રોસેસિંગ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. તો કેમેરામેન હતા ત્ર્યંબક બી. તેલંગ. ફિલ્મને પૂરી થતા છ મહિના અને 27 દિવસ લાગ્યા. કુલ 3700 ફૂટ એટલે કે ચાર રીલની ફિલ્મ બની હતી. ફિલ્મનું બજેટ હતું પંદર હજાર રૂપિયા. જે તેમમે પત્ની તથા અન્યો પાસે ઉધાર લીધા હતા.

ફિલ્મનો પ્રીમિયર 21 એપ્રિલ 1913માં ઓલિમ્પિયા થિયેટરમાં યોજાયો હતો, જ્યારે શનિવાર, 3 મે 1913માં મુંબઈના ગિરગામમાં આવેલા કોરોનેશન સિનેમામાં ફિલ્મ રિલીઝ થઈ હતી. દાદાસાહેબે તેમની 19 વરસની ફિલ્મી કરિયર દરમ્યાન 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મ બનાવી હતી. મજાની વાત એ છે કે તેમની પહેલી ફિલ્મમાં તારામતી માટે મહિલા કલાકાર મળી નહોતી પણ તેમની ભસ્માસુર મહિમામાં બે મહિલા કલાકાર દુર્ગા અને કમલાને મોકો આપ્યો હતો.

આજે કરોડો રૂપિયાની ઉથલપાથલ કરી રહેલા ફિલ્મોદ્યોગના જનક દાદાસાહેબની પુણ્યતિથિ નિમિત્તે એક સ્મરાંજલિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here