રવિવારે સવારે જેમનું અવસાન થયું એ ઑલરાઉન્ડર સલીમ દુરાની ક્રિકેટના મેદાનને અલવિદા કહ્યા બાદ બૉલિવુડમાં નસીબ અજમાવ્યું હતું. 1973માં આવેલી બી. આર. ઇશારાની ફિલ્મ ચરિત્રમાં તેમણે હીરોની ભૂમિકા ભજવી હતી જ્યારે તેમની હીરોઇન હતી પરવીન બાબી. સલીમ દુરાની કદાચ પહેલા ક્રિકેટર હશે જેમણે ફિલ્મોમાં એક કલાકાર તરીકે એન્ટ્રી કરી હોય. આ વાત www.chhpooo.comમાં પ્રસિદ્ધ થયેલા સલીમ દુરાનીના લેખમાં પણ જણાવી છે. જોકે અહીં આપણે વાત કરવાની છે બૉલિવુડમાં કામ કરી ચુકેલા અન્ય ક્રિકેટર્સની.
ભારતમાં જેટલો ક્રેઝ બૉલિવુડના કલાકારોનો છે એટલી જ ઘેલછા ક્રિકેટરોની પણ છે. આજે વિરાટ કોહલીથી લઈ હાર્દિક પંડ્યા સુધીના ક્રિકેટરો ક્રિકેટ પ્રેમીઓના દિલ પર રાજ કરી રહ્યા છે. ટોચના ઘણા ક્રિકેટર ટીવી પર આવતી જાહેરખબરમાં તેમની અભિનય ક્ષમતા પણ દર્શાવી રહ્યા છે. જોકે આજે આપણે એવા ક્રિકેટરની વાત કરવાની છે જેમણે ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા ભજવી હોય કે મહેમાન કલાકાર તરીકે દેખાયા હોય.
સંદીપ પાટિલ
1983માં વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અને આક્રમક બેટ્સમેન સંદીપ પાટિલ પણ ફિલ્મી કેમેરાનો સામનો કરી ચુક્યા છે. સંદીપે 1985માં રોમાન્ટિક ફિલ્મ કભી અજનબી થેમાં કામ કર્યું હતું જેમાં પૂનમ ધિલ્લોં તેમની હીરોઇન હતી.
સૈયદ કિરમાણી
સંદીપ પાટિલ અભિનીત ફિલ્મ કભી અજનબી થેમાં જ ભારતના સ્ટાર વિકેટ કીપર સૈયદ કિરમાણીએ પણ અભિનય કર્યો હતો. ફિલ્મમાં તેમણે ખલનાયકનું પાત્ર ભજવ્યું હતું.
સુનિલ ગાવસકર
લિટલ માસ્ટર સુનિલ ગાવસકરે પણ તેમના અભિનયના શોખને પૂરો કર્યો હતો. સુનિલે 1980માં આવેલી મરાઠી ફિલ્મ સાવલી પ્રેમાચીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ માલામાલમાં પણ એક પાત્ર ભજવ્યું હતું.
અજય જાડેજા
1999માં મેચ ફ્ક્સિંગના આરોપ બાદ ભારતના પ્રતિભાશાળી બેટ્સમેન અજય જાડેજાએ ખેલ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. 2003માં રિલીઝ થયેલી ફિલ્મમાં અજયની હીરોઇન હતી સેલિના જેટલી. આ સિવાય ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને સની દેઓલની પણ મહત્ત્વની ભૂમિકાઓ હતી.
વિનોદ કાંબલી
ક્રિકેટના ખેલાડી તરીકે જેટલી ખ્યાતિ વિનોદ કાંબળીએ મેળવી એનાથી વધારે ચર્ચા એના અન્ય પરાક્રમોને કારણે મળી છે. વિનોદ કાંબળીએ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું નસીબ અજમાવ્યું હતું. 2002માં આવેલી અનર્થ નામની ફિલ્મમાં એનો સહ કલાકાર હતો સુનીલ શેટ્ટી.
મોહસીન ખાન
આ પાકિસ્તાની ક્રિકેટરે મલ્ટીસ્ટારર ફિલ્મ બટવારા ઉપરાંત ફતેહ અને સાથીમાં પણ કામ કર્યું હતું. એટલું જ નહીં, મોહસીને હિન્દી ફિલ્મોની એની અભિનેત્રી રીના રૉય સાથે લગ્ન પણ કર્યા હતા.
કપિલ દેવ
ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનર ટીમના કેપ્ટન કપિલ દેવ 2006માં રિલીઝ થયેલી ઇકબાલમાં જોવા મળ્યો હતો. ઉપરાંત મુજસે શાદી કરોગી અને ચેન ખુલી કી મેન ખુલીમાં મહેમાન કલાકાર તરીકે દેખા દીધી હતી.
યોગરાજ સિંહ
ભારત વતિ એક ટેસ્ટ અને છ વન-ડે રમેલા યોગરાજ સિંહે ત્રીસથી વધુ પંજાબી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તો ફરહાન અખ્તર અભિનીત ભાગ મિલ્ખા ભાગમાં પણ યોગરાજ જોવા મળ્યો હતો.
એસ શ્રીસંત
2011માં ભારતને વર્લ્ડ કપ અપાવનાર ટીમના સભ્ય એસ. શ્રીસંત પર આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગ સ્કૅન્ડલના પગલે ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો. શ્રીસંત એક પ્રતિભાશાળી ક્રિકેટર ઉપરાંત એની ડાન્સિંગ ટેલેન્ટ માટે પણ પ્રખ્યાત હતો. એણે 2016માં આવેલી કેબરેમાં અભિનય કર્યો હતો. તાજેતરમાં એ એક સ્પાય ફિલ્મ કરી રહ્યો હોવાના સમાચાર ઝળક્યા હતા.
વીવીએસ લક્ષ્મણ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે 2003માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ વસંતમમાં કામ કર્યું હતું.
હરભજન સિંહ
ભારતીય ટીમના આ સ્પીનરે પંજાબી ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે.
સચિન તેન્ડુલકર
માસ્ટર બ્લાસ્ટર સચીન તેન્ડુલકરે 2003માં આવેલી રવિના ટંડનની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ સ્ટમ્પમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
અનિલ કુંબલે
ભારતીય ટીમના લેજન્ડરી લેગ સ્પીનર અનિલ કુંબલેએ મંદિરા બેદી, અનુપમ ખેર અને મહેશ માંજરેકર સાથે મીરાબાઈ નોટઆઉટમાં કામ કર્યું હતું. ફિલ્મ 2008માં રિલીઝ થઈ હતી.
યુવરાજ સિંહ
ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટરે એના પિતા યોગરાજ સિંહ સાથે અનેક પંજાબી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ફિલ્મોમાં કામ કર્યાનો સંતોષ મેળવ્યો છે. ધોનીએ જ્હૉન અબ્રાહમ અને જેનેલિયા ડિસોઝા સાથે હૂક ઔર ક્રૂક ફિલ્મ કરી હતી. દુર્ભાગ્યે ફિલ્મ રિલીઝ ન થતા ચાહકોને એના પ્રિય ક્રિકેટરના અભિનયને જોવાનો લ્હાવો મળ્યો નહોતો.