તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જકો કોરોના વાઇરસની મહામારીને નાથવા માટે જરૂરી એવા સ્વચ્છતાના પાઠ એના દર્શકોને ભણાવશે. શોનો આગામી એપિસોડ ખાસ કોરોના વાઇરસ પર આધારિત હશે જેથી દર્શકો મહામારીની ગંભીરતા વિશે જાણી શકે.

આગામી એપિસોડની શરૂઆત ઐયરની એન્ટ્રીથી થાય છે અને મિત્રોને જણાવે છે કે તેમને એક વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જેઠાલાલ ઐયેરને અભિનંદન આપવા આવે છે પણ ઐયર હાથ મિલાવવાની ના પાડીને નમસ્તે કરે છે. નારાજ જેઠાલાલ કહે છે કે ઐયરની વર્તણુંકથી તેમનું અપમાન થયું હોય એવું લાગે છે. ત્યારે બધા સમજાવે છે કે કોરોના વાઇરસની મહામારીને કારણે હાથ મેળવવાનું ટાળવું જોઇએ. જેઠાલાલના ગળે વાત ઉતરે છે. ત્યાં સોઢી એન્ટ્રી કરે છે અને એની સ્ટાઇલમાં બધાને ભેટવા જાય છે ત્યારે બધા ત્યાંથી દૂર ભાગે છે. સોઢીને સમજ નથી પડતી કે લોકો એને ભેટવાનું કેમ ટાળે છે. આખરે તારક મહેતા એને સમજાવે છે કે કોરોના વાઇરસના ડરે લોકો એનાથી દૂર ભાગી રહ્યા છે. સોઢી પણ થોડા દિવસ લોકોને ન ભેટવા માટે મન બનાવે છે.

તારક મહેતા પણ લોકોને જમવા પહેલાં સાબુ કે સેનેટાઇઝરથી હાથ ધોવા જેવા સ્વચ્છતાના પાઠ ભણાવશે. ઉપરાંત જાહેરમાં છીંકવા કે ઉધરસ ન ખાવાનું પણ સમજાવશે. સૂત્રના જણાવ્યા મુજબ ટીમ સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે જેમાં ગોકુળધામવાસીઓ કોરોના વાઇરસનો મુકાબલો કરવાની યોજના બનાવે છે.