શોલેના ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાનના ભાઈ અને ગુજરાતી તખ્તા અને ટેલિવિઝનની અદાકારા કૃતિકા દેસાઈના પતિ ઇમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે સોમવારે અવસાન થયું હતું. વરસોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઇમ્તિયાઝ ખાનના પિતા જયંત પણ બૉલિવુડના જાણીતા અભિનેતા હતા. ઇમ્તિયાઝના પરિવારમાં તેમની પત્ની કૃતિકા અને પુત્રી આયેશા ખાન છે.

બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરનાર ઇમ્તિયાઝે હલચલ, બન્ટી ઔર બબલી, દયારે મદીના, દરવાઝા, તૈખાના, મહાબદનામ, જુલ્મ કી હકીકત, ચોર પોલીસ, શેર બઝાર, યાદોં કી બારાત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ તેમની ફિલ્મી કરિયરમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી.

મૂળ પેશાવર (હાલ પાકિસ્તાન)ના પઠાણ ઇમ્તિયાઝના પિતા જયંત અને તેમના ભાઈએ ફિલ્મોમાં કામ કરવા મુંબઈની વાટ પકડી. જોકે કાકાનું આકિસ્મક મૃત્યુ થયું હતું જ્યારે જયંતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે સફળતા મળી હતી.

ઇમ્તિયાઝના અવસાન બાદ એમની મિત્ર અંજુ મહેન્દ્રુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. અંજુએ એક જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેમાં ઇમ્તિયાઝ એના પરિવારના સભ્યો સાથે બેઠો છે. એ સાથે કેપ્શનમાં અંજુએ લખ્યું હતું, વન્સ અપોન અ ટાઇમ. અનંતમાં વિલીન તમારી આત્માને શાંતિ મળે મારા દોસ્ત ઇમ્તિયાઝ.

ઇમ્તિયાઝની પત્ની કૃતિકાની વાત કરીએ તો ગુજરાતી નાટકથી શરૂઆત કર્યા બાદ ટેલિવિઝનમાં એન્ટ્રી કરનાર અભિનેત્રીએ વહ મેરે અંગને મેં, બુનિયાદ, ઉતરન, ચંદ્રકાંતા, શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી અને જીજી મા જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

ઇમ્તિયાઝે એની કરિયરની શરૂઆત ૧૯૬૨માં કે. આસફિના સહાયક તરીકે કરી હતી. ફિલ્મ હતી લવ એન્ડ ગૉડ. ત્યાર બાદ તેમણે ચેતન આનંદ સાથે પણ કામ કર્યું હતું. પાછળથી અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમની પહેલી ફિલ્મ હતી એક નન્હી મુન્ની લડકી થી. ઇમ્તિયાઝે દિગ્દર્શક તરીકે પણ હાથ અજમાવ્યો હતો અને અમજદ ખાનને લઈ હૉલિવુડની ફિલ્મ વન ફ્લ્યુ ઓવર કુકુઝ નેસ્ટ પરથી ચૂન ચૂન કરતી આઈ ચીડિયા બનાવ્યું.

ઇમ્તિયાઝના પહેલાં લગ્ન રાજેશ ખન્નાની ગર્લફ્રેન્ડ અંજુ મહેન્દ્રુ સાથે થયા હતા. અંજુ સાથે છૂટા પડ્યા બાદ એણે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા પણ એ ઝાઝા ટક્યા નહીં. અંતે ઇમ્તિયાઝે કૃતિકા સાથે લગ્ન કર્યાં. મજાની વાત એ છે કે કૃતિકા સાથે ઇમ્તિયાઝે હિન્દુ વિધિથી લગ્ન કરતા અમજદ ખાન નારાજ થયો હતો અને લગ્નમાં હાજરી આપી નહોતી.

ઇમ્તિયાઝનાં લગ્ન સાથે એક મજેદાર કિસ્સો પણ સંકળાયેલો છે. ઇમ્તિયાઝ અને કૃતિકાનાં લગ્નનું રિસેપ્શન પામ ગ્રોવ હોટેલમાં યોજાયું હતું. એમાં એક સિનિયર રિપોર્ટર હનીફ ઝવેરી પણ મજેદાર સ્કૂપની આશાએ બિન બુલાયે મહેમાનની જેમ પહોંચી ગયો. જોકે એ પકડાઈ જતા ઇમ્તિયાઝે એના માણસોને રિસેપ્શન પૂરૂં થાય ત્યાં સુધી હોટેલના એક રૂમમાં પૂરી દેવા જણાવ્યું. જોકે પાછળથી હનીફ અને ઇમ્તિયાઝ સારા મિત્રો બન્યા અને અભિનેતાએ હનીફને ફિલ્મ પર્સનાલિટીઝ પર પુસ્તક લખવા માટે સહાય પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here