લૉકડાઉનના કપરા સમયમાં દર્શકોના ચહેરા પર હાસ્ય લાવવા સોની સબ નવો શો લઈને આવી રહી છે. નવા પ્રકારના શોર્ટ ફોર્મેટનો શો કુછ સ્માઇલ હો જાયે… વિથ આલિયાને લૉન્ચ કરી રહી છે. શોને હૉસ્ટ કરી રહ્યા છે અનુષા મિશ્રા અને કૉમેડિયન બલરાજ સયાલે. હલકાફુલકા અને મનોરંજક કન્ટેન્ટ સાથે ખુશીઓને ફેલાવવા પ્રતિબદ્ધ ચૅનલ 18 મેથી આ શોનું પ્રસારણ કરશે. 12 મિનિટનો આ શો દર સોમવાર અને શુક્રવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. એમાં સોની સબના જાણીતા કલાકાર ઘર બેઠા મજેદાર અને રોમાંચથી ભરપુર ટાસ્ક દ્વારા દર્શકોનું મનોરંજન કરશે.

પહેલીવાર સોની સબના તેરા ક્યા હોગા આલિયા ફેમ અનુષા મિશ્રા એક નવા અંદાજમાં જોવા મળશે. અનુષા અને બલરાજની જોડી તેમની દમદાર હાજરીની સાથે હસી-મજાકથી લૉકડાઉનને કારણે દુખી દુખી દાળિયા થયેલા દર્શકોના મૂડનું પરિવર્તન કરશે. બંને હૉસ્ટ સોની સબના વિવિધ શોઝના કલાકારનું સ્વાગત કરવાની સાથે મજેદાર ટાસ્ક પૂરો કરવાનો પડકાર ફેંકશે. ઉપરાંત તેમના ઘરમાં રહી આકર્ષક ગેમ્સ રમવા પણ પ્રેરિત કરશે.

શોના આ ફોર્મેટમાં જાણીતા કલાકારો તેમની વિવિધ ટેલેન્ટ દર્શાવશે જે દર્શકોએ કદી જોઈ નહીં હોય. જેમકે મેડમ મલિક ઉર્ફે ગુલકી જોશી મુકાબલાની ધૂન પર નાચતી જોવા મળશે તો સિદ્ધાર્થ નિગમ એના જેરદાર ડાન્સિંગ મૂવ્સ બતાવશે.

કુછ સ્માઇલ્સ હો જાયે… વિથ આલિયા શોનું પૂરૂં શૂટિંગ અને પ્રોડક્શન ઘરમાં જ કરવામાં આવ્યું છે.