એવો કોઈ ગુજરાતી નહીં હોય જે નરેશ કનોડિયાને ઓળખતું ન હોય. 1970માં આવેલી વેણીને આવ્યા ફૂલથી સતત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગજવી રહેલા નરેશ કનોડિયા એ અગાઉથી જ મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલા રહ્યા છે. અનેક ગાયકોના અવાજમાં ગાઈ શકતા મોટાભાઈ મહેશકુમાર સાથે મહેશકુમાર એન્ડ પાર્ટી (જેને માટે કહેવાતું કે જ્યાં વસે ગુજરાતી ત્યાં પહોંચે મહેશકુમાર એન્ડ પાર્ટી)થી એન્ટરટેઇન્મેન્ટ વર્લ્ડમાં એન્ટ્રી કરનાર નરેશ કનોડિયા આજે 56મી મેરેજ એનિવર્સરીની ઉજવી રહ્યા છે ત્યારે ફિલ્મી ઍક્શન તેમને હાર્દિક વધામણા આપવાની સાથે તેમની આરોગ્ય સહિતની તમામ સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના.

નરેશભાઈ આટલા વરસોથી સતત લોકોનું મનોરંજન કરતા રહ્યા એમાં તેમનાં પત્ની રતનબેનનો સિંહફાળો ગણી શકાય.

આ સાથે બીજી એક વાત, કોરોના મહામારી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાની જે જાહેરાત કરી એ તો કનોડિયા બંધુઓએ બાળપણથી જ અમલમાં મુકી છે. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં સ્વબળે દુનિયાભરમાં નામ કમાનાર કનોડિયા બંધુની જીવની અનેક માટે પ્રેરણારૂપ છે.

વેલીને આવ્યા ફૂલથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કારકિર્દી શરૂ કરનાર નરેશ કનોડિયાએ 325 કરતા વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે. તેમના સમકાલીન અભિનેતા નિવૃત્ત થઈ ગયા પણ નરેશભાઈની ડિમાન્ડમાં આજે પણ ઘટાડો થયો નથી. તેમની યાદગાર ફિલ્મોમાં જોગ સંજોગ, લાજુ લાખણ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજ રાજવણ, મન સાહ્યબાની મેડીએ, ઢોલા મારૂ, મેરૂ માલણ, મા બાપને ભૂલશો નહીં જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

મજાની વાત એ છે કે ત્રણ હીરોઇનો અને તેમની પુત્રીએ પણ નરેશ કનોડિયાની હીરોઇન તરીકે કામ કર્યું છે. જેમાં હની ઇરાની – ડેઝી ઇરાની, જયશ્રી પરીખ – પિન્કી પરીખ અને સરિતા જોશી – કેતકી દવે સામેલ છે.

અંતમાં નરેશ કનોડિયા ગુજરાતના દર્શકોમાં કેટલા લોકપ્રિય હતા એનું એક ઉદાહરણ. 1975માં આવેલી શોલે ફિલ્મ રાજકોટના ગેલેક્સી સિનેમામાં 50 અઠવાડિયા ચાલી અને એનો શેર (હિસ્સો) એ સમયે ચાર લાખ રૂપિયા જેટલો હતો. જ્યારે શોલેના નવ વરસ બાદ 1984માં આવેલી મેરૂ માલણ રાજકોટના અન્ય થિયેટર આમ્રપાલીમાં 25 અઠવાડિયા ચાલી હતી અને એનો શેર શોલે કરતા લગભગ બમણો એટલે કે આઠેક લાખ રૂપિયા જેટલો રહ્યો હતો.