રત્નાકર મતકરીના અનેક નાટકો ગુજરાતીમાં પણ ભજવાયા છે

વરિષ્ઠ સાહિત્યકાર, નાટ્યલેખક, રંગકર્મી અને નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ દિગ્દર્શક રત્નાકર મતકરીનું રવિવારે રાત્રે 81 વર્ષની વયે નિધન થયું. તેમના અનેક નાટકો ગુજરાતી રંગભૂમિ પર પણ ભજવાયાં છે. 1955માં વેડી માણસં એકાંકીથી લેખનની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા. આ એકાંકીનું મુંબઈ આકાશવાણી પર પ્રસારણ થયું હતું.

છેલ્લા થોડા દિવસથી તેમને થાક લાગી રહ્યો હોવાથી મુંબઈની ગોદરેજ હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં તેમને કોરોના થયો હોવાનું નિદાન થયું. એટલે તેમને કોરોના માટેની ખાસ હોસ્પિટલ સેવન હિલ્સ ખાતે લઈ જવાયા. અહીં સારવાર દરમ્યાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

લોકકથા 78, દુભંગ, અશ્વમેધ, માઝં કાય ચુકલં?, જાવઈ માઝા ભલા, ચાર દિવસ પ્રેમાચે, ઘર તિઘાંના હવં, ખોલ ખોલ પાણી, ઇન્દિરા સહિતના મતકરીના અન્ય નાટકો દર્શકો દર્શકો હજુ ભૂલ્યા નથી. તો ગુજરાતી રંગભૂમિ પર પણ તેમના નાટકોએ ધૂમ મચાવી હતી. જેમાં સ્નેહાધીન, પરણેલા છીએ કોને કહીએ, કમોસમે કોયલ ટહુકી, અભી તો મૈં જવાન હું, કોરી આંખોને ભીના હૈયા, ચાર દિવસ પ્રેમના, જાદુ તેરી નઝર જેવા અનેક ગુજરાતી નાટકો મૂળ મરાઠઈમાં રત્નાકર મતકરીએ લખ્યાં હતાં.

મતકરીએ મોટાઓ માટે 70 તો નાના બાળકો માટે 22 જેટલા નાટકો લખ્યા છે. જ્યારે ગહીરે પાણી, અશ્વમેધ, બેરીજ વજાબાકી જેવી સિરિયલો પણ લોકપ્રિય થઈ હતી. તો રત્નાકર મતકરીને તેમની ફિલ્મ ઇન્વેસ્ટમેન્ટ માટે શ્રેષ્ઠ મરાછી ફિલ્મનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. 

રત્નાકર મતકરીને અનેક પુરસ્કાર અને સન્માન મળ્યા હતા. જેમાં સંગીત નાટ્ય અકાદમી અને સાહિત્ય અકાદમી એમ બંને સન્માન મેળવનાર ગણતરીના સાહિત્યકારમાં તેમનો સમાવેશ થાય છે.