કોવિડ-19 મહામારીને પગલે દેશભરની પ્રવાસી ટ્રેન સેવા સસ્પેન્ડ કરવાની સાથે રેલવે સ્ટેશનો બંધ કરાતા રેલવે એડવર્ટાઇઝિંગ સાથે સંકળાયેલા એડવર્ટાઇઝર્સ અનેક પડકારોનો સામનો કરી રહ્યા હોવાથી ફેડરેશન ઑફ એડવર્ટાઇઝિંગ એજન્ટ્સ ઑફ ઇન્ડિયન રેલવેની સ્થાપના કરવાની સાથે મુસીબતોમાંથી બહાર નીકળવા રેલવે પ્રધાન પિયુષ ગોયલ સમક્ષ અનેક માગણીઓ કરી છે.

ફેડરેશનમાં ભારતની અગ્રણી એડવર્ટાઇઝિંગ એજન્સીઓ છે જેઓ હોર્ડિંગ્સ, રેલવે સ્ટેશન બોર્ડ, ગ્લો સાઇન્સ, એલઈડી સ્ક્રીન, વિડિયો વૉલ અને રેલવે ઝોનમાં રેલવે ડિસ્પ્લે નેટવર્ક (આરડીએન) જેવા માધ્યમોના ખાસ અધિકાર ધરાવે છે.

ફેડરેશને કરેલી માંગણીઓમાં લૉકડાઉન જાહેર થયું એ તારીખથી એક વર્ષ સુધી તમામ કરારો પર લાઇસંસ ફીમાં રાહત આપવામાં આવે. ઉપરાંત કંપની દ્વારા બે મહિનાની લાઇસંસ ફી જેટલી સિક્યોરિટી ડિપોઝિટની રકમ ઘટાડવામાં આવે. ભવિષ્યમાં જાહેર થનારા તમામ ટેન્ડરની સિક્યોરિટી ડિપોઝિટની રકમ ઘટાડવામાં આવે. હાલના તમામ રેલવે જાહેરખબરના કોન્ટ્રાક્ટ માટેની લાઇસંસ ફી માસિક ધોરણે સ્વાકારવામાં આવે.

એ સાથે ફેડરેશને એક ટાસ્ક ફોર્સને બનાવવાનો અનુરોધ કર્યો છે. સમીક્ષા, ચર્ચા, અધ્યયન અને સમાધાનની અપીલ માટે ટાસ્ક ફોર્સ જરૂરી છે અને એમાં ફેડરેશનના ત્રણ પ્રતિનિધિને સમાવવામાં આવે. ફેડરેશને એના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે રેલવે મીડિયા કંપનીઓ દર વરસે રેલવેને 350 કરોડ રૂપિયાની કુલ આવક રળી આપે છે. જ્યારે રેલવે દ્વારા ખાસ કોઈ ખર્ચ કરાતો નથી. જ્યારે ફેડરેશનના સભ્યો તેમની કંપનીઓ દ્વારા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે એક લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

* * *